- યુપીના ગોંડામાં ડિબ્રુગઢ એક્સપ્રેસના 12 ડબ્બા રેલવે ટ્રેકથી ઉતરી ગયા
- ડિબ્રુગઢ એક્સપ્રેસ અકસ્માતમાં અત્યાર સુધી ચાર યાત્રિકોનાં મોત, 27 ઈજાગ્રસ્ત
- રેલવેએ હેલ્પલાઈન જાહેર કરી કેટલીક ટ્રેનોના રૂટ બદલી દીધા
ઉત્તર પ્રદેશના ગોંડામાં ગુરુવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ. અહીં બપોરના સમયે ડિબ્રુગઢ એક્સપ્રેસના આશરે 12 ડબ્બા રેલવે ટ્રેકથી નીચે ઉતર્યા હતા. આ ટ્રેન ચંડીગઢથી ડિબ્રુગઢ જઈ રહી હતી. મોતીગંજ રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધી કુલ ચાર પ્રવાસીઓનાં મોત થયા છે. આ ઉપરાંત 27 પ્રવાસીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં છે.
મળતી માહિતી મુજબ, ડિબ્રુગઢ એક્સપ્રેસ 15904ના લગભગ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઘાયલોની સંખ્યા વધી શકે છે. હાલ સમગ્ર ટ્રેક પર પથરાયેલા કાટમાળને હટાવવાનું કામ ચાલી રહ્યું છે, આ સિવાય રાહત અને બચાવ કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે. આ દુર્ઘટના જિલ્લાના ઝિલાહી અને મોતીગંજ રેલ્વે સ્ટેશનના ત્રણ કિલોમીટરની વચ્ચે થઈ હતી. રેલવેએ રેલવે મુસાફરો માટે મદદ અને અન્ય માહિતી માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે. આ દરમિયાન એવી માહિતી પણ સામે આવી રહી છે કે ઘણી ટ્રેનોના રૂટ પણ બદલવામાં આવ્યા છે.
દુર્ઘટનાથી 17 ટ્રેનો પ્રભાવિત થઈ છે
આ ઘટના બાદ 17 ટ્રેનોને અસર થઈ છે જેમાં કેટલીક ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેનોના ટ્રેક બદલવામાં આવ્યા છે. રેલ્વે તરફથી મળેલી માહિતી અનુસાર, 15707 કટિહાર અમૃતસર આમ્રપાલી એક્સપ્રેસ, 14673 જયનગર અમૃતસર શહીદ એક્સપ્રેસ, 14673 જયનગર અમૃતસર શહીદ એક્સપ્રેસ, 15273 રક્સૌલ આનંદ વિહાર ટર્મિનલ સત્યાગ્રહ એક્સપ્રેસ, 15653 ગુવાહાટી, જમ્મુ 519 અમરનાથ એક્સપ્રેસ, 15653, મુંબઈ, તા 204 લખનૌ- બરૌની એક્સપ્રેસ, 12532 લખનૌ-ગોરખપુર એક્સપ્રેસ, 15652 જમ્મુ તાવી ગુવાહાટી લોહિત એક્સપ્રેસનો રૂટ બદલવામાં આવ્યો છે. બીજી તરફ, ગોંડા ગોરખપુર પેસેન્જર ટ્રેન 5094 અને 5031 રદ કરવામાં આવી છે.
હેલ્પલાઈન નંબર જાહેર
રેલવેએ યાત્રિકોની મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યા છે. આમાં કોમર્શિયલ કંટ્રોલ 9957555984, ડિબ્રુગઢ 9957555960 નંબર જાહેર કરાયા છે. જેની પર કોલ કરીને લોકો પરિવારજનો વિશે જાણકારી લઈ શકો છે.
SDRFની ચાર ટીમ ઘટનાસ્થળે
સીએમ ઓફિસ તરફથી કરાયેલા ટ્વિટમાં આ જાણકારી અપાઈ કે આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વા સરમાએ યુપીમાં ડિબ્રુગઢ-ચંડીગઢ એક્સપ્રેસ રેલવે ટ્રેકથી ઉતરી જવાની ઘટના વિશે જાણકારી આપી છે. તેઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આસામ સરકાર અધિકારીઓ સાથે સંપર્કમાં છે. રાહત અને બચાવની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચાર એસડીઆરએફની ટીમ ગોંડા રવાના કરાઈ છે.
રેલવે વિભાગ દ્વારા સહાયની જાહેરાત
ડિબ્રુગઢ એક્સપ્રેસ દુર્ઘટનાને લઈ રેલવે વિભાગ દ્વારા મૃતક પરિવારોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મૃતક પરિવારને રૂપિયા 10 લાખની સહાય જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત મુસાફરોને 2.5 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.