- UPના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ ટ્રેન દુર્ઘટનાને લઇ તપાસ
- દુર્ઘટના પહેલા લોકો પાયલટને સંભળાયો વિસ્ફોટનો અવાજ
- ટ્રેન દુર્ઘટનામાં 4 લોકોના મોત, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ
યુપીના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ ટ્રેન દુર્ઘટના કેસમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે. ટ્રેનના લોકો પાયલટે દાવો કર્યો છે કે તેણે અકસ્માત પહેલા વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો. રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દાવો કરનાર લોકો પાયલટનું નામ ત્રિભુવન છે. આ પછી હવે રેલવેએ ષડયંત્રના એંગલથી પણ તપાસ શરૂ કરી છે.
ડિબ્રુગઢ-ચંદીગઢ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે પણ દાવો કર્યો હતો કે, અમે ચંદીગઢથી આવી રહ્યા હતા, ઘટના પહેલા એક હળવો વિસ્ફોટ થયો અને તે પછી જોરદાર આંચકો લાગ્યો અને અમારો કોચ પાટા પરથી ઉતરી ગયો. .
UPના ગોંડામાં ચંદીગઢ-ડિબ્રુગઢ ટ્રેન દુર્ઘટનાને લઇ તપાસ
ગુરુવારે બપોરે, ચંદીગઢથી ડિબ્રુગઢ જઈ રહેલી 15904 ચંદીગઢ-ડિબ્રુગઢ એક્સપ્રેસ ઉત્તર પ્રદેશના ગોંડા-માનકાપુર રેલ માર્ગ પર મોતીગંજ-ઝિલાહી સ્ટેશનો વચ્ચે અકસ્માતનો ભોગ બની હતી. આ દુર્ઘટના બપોરે લગભગ 2.37 વાગ્યે થઈ જ્યારે ટ્રેન ચંદીગઢથી ડિબ્રુગઢ તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં ટ્રેનનો એસી કોચ પાટા પરથી ઉતરી ગયો હતો અને પલટી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.
દુર્ઘટના બાદ એક તરફ રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે તો બીજી તરફ આ માર્ગ પરથી પસાર થતી કેટલીક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુસાફરોની સુવિધા માટે જુદા જુદા સ્ટેશનો પર હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
રેલવે મંત્રાલયે સહાયની જાહેરાત કરી છે
રેલ્વે મંત્રાલયે મૃતકો અને ઘાયલોને વળતરની પણ જાહેરાત કરી છે. માહિતી આપતા રેલ્વે મંત્રાલયે કહ્યું કે મૃતકોના પરિવારજનો માટે 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયા અને નાના ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. સીઆરએસ તપાસ ઉપરાંત ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.