- ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સામે થઇ છે અરજી
- SC વધુ સુનાવણી 21 માર્ચે હાથ ધરશે
- પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશ હટાવવા મામલે કરી છે અરજી
સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી કમિશનરની નિમણૂકની પ્રક્રિયા સામેની અરજીઓ પર સુનાવણી કરવા સંમત થઈ છે. કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ 2023ને પડકારતી અરજીઓ અંગે 21 માર્ચે સુનાવણી હાથ ધરાશે. જેમાં મુખ્ય ન્યાયાધીશને ચૂંટણી કમિશનરની પસંદગી પેનલમાંથી હટાવવાને પડકારવામાં આવ્યો છે.
SC એ નિમણૂકો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો
સુપ્રીમ કોર્ટે 2023 ના કાયદા હેઠળ નવા ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂકો પર રોક લગાવવાનો પણ ઇનકાર કર્યો હતો, જેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને પસંદગી પેનલની બહાર રાખવામાં આવ્યા હતા. ન્યાયાધીશ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે અરજદારોને એક અલગ અરજી દાખલ કરવા કહ્યું હતું જેમાં એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે ECની પસંદગી માટે એક બેઠક પહેલેથી જ નક્કી કરવામાં આવી હતી. ખંડપીઠે 2023ના કાયદા મુજબ કરવામાં આવેલી નિમણૂકો પર સ્ટે આપવાનો ઇનકાર કરતા કહ્યું કે અમે વચગાળાના આદેશ દ્વારા કોઈપણ કાયદાને સ્ટે નથી આપતા.
કોણે દાખલ કરી અરજી અને કેમ ?
સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરો (EC) ની નિમણૂક માટે પસંદગી સમિતિમાં મુખ્ય ન્યાયાધીશો (CJIs) ના સમાવેશ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ અરજી બિન-સરકારી સંસ્થા (NGO) એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરવામાં આવી છે. અરજીમાં એડીઆરએ મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર એક્ટ, 2023ની કલમ 7ની માન્યતાને પડકારી છે અને તેના અમલીકરણ પર રોક લગાવવાની માંગ કરી છે. આ કલમ હેઠળ મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.
બે જગ્યા હતી ખાલી
આ સુનાવણી મહત્વપૂર્ણ બની છે કારણ કે ભારતીય વહીવટી સેવા (IAS)ના ભૂતપૂર્વ અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીર સંધુને ગુરુવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમની પસંદગી કરી હતી. 14 ફેબ્રુઆરીએ અનુપ ચંદ્ર પાંડેની નિવૃત્તિ અને અરુણ ગોયલના અચાનક રાજીનામાને પગલે બે જગ્યાઓ ખાલી થઈ હતી.