- નવેમ્બરમાં નહીં પડે બહુ ઠંડી
- નવેમ્બર દરમિયાન દેશમાં અમુક ભાગોમાં પડી શકે છે વરસાદ
- અલનીનોની અસરના કારણે હવામાન પર થઈ અસર
ભારતીય હવામાન ખાતાએ મંગળવારે દરિયાઈ પ્રવાહ અલ નીનોને લઈને મોટું એલર્ટ આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતીય ઉપખંડમાં તેની અસર વધુ મજબૂત બની રહી છે. આને કારણે, ભારતના ઉત્તર-પશ્ચિમ અને મધ્ય-પશ્ચિમ ભાગોના કેટલાક વિસ્તારોને બાદ કરતાં નવેમ્બરમાં દેશના મોટાભાગના પ્રદેશોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. મતલબ કે નવેમ્બરમાં બહુ ઠંડી નહીં પડે.
જો કે આ મામલે ભારતીય હવામાન વિભાગ (IMD) ના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે નવેમ્બરમાં સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય રહેવાની સંભાવના છે. લાંબા સમયથી, નવેમ્બરમાં સરેરાશ 77 થી 123% વરસાદ રહ્યો છે, આ વર્ષે પણ તે જ રહેવાની ધારણા છે. દ્વીપકલ્પના ભારતના દક્ષિણ ભાગો સિવાય, પૂર્વ, પૂર્વ-મધ્ય અને ઉત્તર-પૂર્વીય ભાગોમાં વરસાદની સૌથી વધુ સંભાવના છે. મહત્વનું છે કે આમ તો ભારતમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું ગણાય છે, પરંતુ હંમેશા પાછા ફરતા ચોમાસી પવનો જ્યારે સમુદ્ર ઉપરથી પસાર થાય છે ત્યારે તે પાછા વળતા દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વીય ભારતમાં અમુક ઠેકાણે વરસાદ કરતા હોય છે.













