- ભાજપમાંથી વરુણ ગાંધીને ન મળી ટિકિટ
- તેમણે ચૂંટણી ન લડવાની કરી છે જાહેરાત
- પીલીભીતની જનતાના નામે લખ્યો પત્ર
પીલીભીતના સાંસદ વરુણગાંધીને બીજેપીમાંથી ટિકિટ ન મળતા પોતાના મતવિસ્તારની જનતાના નામે એક પત્ર લખ્યો છે. આ પત્ર તેમણે ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં પીલીભીતની જનતા પ્રત્યેનો લગાવ અને ભવિષ્યને લઇને કેટલીક વાતો કરી છે.
શું લખ્યુ વરુણ ગાંધીએ પત્રમાં ?
વરુણ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે રાજનીતિમાં સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવા આવ્યો હતો અને આજે હું તમારી પાસે એજ આશીર્વાદ માંગુ છું કે આ કાર્ય હંમેશા કરતો રહીશ. ભલે તે માટે મારે કોઇ પણ કિંમત ચૂકવવી પડે. વરુણગાંધીએ શરૂઆતમાં લખ્યુ કે આજે જ્યારે હું પત્ર લખી રહ્યો છુ ત્યારે એવી અનેક યાદોથી હું ભાવુક થઇ ગયો.
1983માં પહેલીવાર પીલીભીત આવ્યો
વરુણ ગાંધીએ પોતાના પત્રમાં લખ્યું છે કે મને યાદ છે કે 3 વર્ષનો નાનો બાળક જે 1983માં પહેલીવાર પોતાની માતાની આંગળી પકડીને પીલીભીત આવ્યો હતો. પણ મને ક્યાં ખબર હતી કે આ જમીન મારુ કાર્યસ્થળ બની જશે અને અહીંના લોકો મારો પરિવાર. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને વર્ષોથી પીલીભીતના મહાન લોકોની સેવા કરવાની તક મળી છે.
પીલીભીત સાથે અંતિમ શ્વાસ સુધી સંબંધ રહેશે- વરુણ ગાંધી
વરુણ ગાંધીએ કહ્યું કે પીલીભીતમાંથી મળેલા આદર્શો, સાદગી અને દયાએ માત્ર એક સાંસદ તરીકે જ નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે પણ મારા ઉછેર અને વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. તમારા પ્રતિનિધિ બનવું અને તમારા હિત માટે હંમેશા મારી ક્ષમતા મુજબ બોલવું એ મારા જીવનનું સૌથી મોટું સન્માન રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે ભલે મારો સાંસદ તરીકેનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, પરંતુ પીલીભીત સાથેનો મારો સંબંધ મારા અંતિમ શ્વાસ સુધી ખતમ થઈ શકે તેમ નથી. જો સાંસદ તરીકે નહીં, તો પુત્ર તરીકે હું જીવનભર તમારી સેવા કરવા કટિબદ્ધ છું.