- દેશમાં ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદ
- મોટા ભાગરના રાજ્યોમાં ગરમી 47 ડિગ્રીએ નોંધાઇ
- બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સલાહ
દેશમાં મોસમનો મિજાજ અલગ અલગ જોવા મળી રહ્યો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અગનજ્વાળાઓ જાણે વરસતી હોય તેવી ગરમી લાગી રહી છે. તો બીજી તરફ દક્ષિણ ભારતમાં મૂશળધાર વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં ગરમીને લઇને હવામાન વિભાગ શું કહે છે આવો જાણીએ.
ગરમીનો પારો 47ડિગ્રી પહોંચ્યો
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં આગામી પાંચ દિવસ સુધી ભારે ગરમીને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને અત્યંત જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના મોટાભાગના વિસ્તારોમાં દિવસનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ રહેવાની આગાહી કરી છે. જ્યારે જમ્મુ ડિવિઝનમાં સાતમા દિવસે પારો 40.0 ડિગ્રી પર રહ્યો હતો.
કેરળમાં મૂશળધાર
દક્ષિણના રાજ્ય કેરળમાં મુશળધાર વરસાદને કારણે બે જિલ્લામાં રેડ એલર્ટ અને નવ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. કેરળના રેડ એલર્ટ જિલ્લાઓમાં 20 સેમી સુધીનો વરસાદ નોંધવામાં આવ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુર ઉપરાંત કન્યાકુમારી અને શિવગંગાઈ જિલ્લામાં પણ 12 થી 14 સેમી વરસાદ નોંધાયો છે.
રાજસ્થાનમાં અંગ દઝાડતી ગરમી
રાજસ્થાનના બાડમેરમાં બુધવારે પારો 48 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યો હતો, જે દેશમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હતું. આ સિવાય રાજ્યના વધુ ત્રણ શહેરોમાં ફલોદીમાં 47.8 ડિગ્રી, ચુરુમાં 47.4 અને જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું.