- ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકીનો મામલો
- 18જૂને ચેન્નાઇથી મુંબઇ જતી ફ્લાઇટને મળી હતી ધમકી
- પોલીસે આરોપીની કરી ધરપકડ
આપણે જોઇએ છીએ કે અવારનવાર પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળી રહી છે. પરિણામે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાવની ફરજ પડે છે. જો કે અંતે તો આ ધમકી અફવા જ નીકળે છે. ત્યારે 18 જૂને ચેન્નાઇથી મુંબઇ જઇ રહેલી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. જે મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
બોમ્બથી ઉડાવી દેવાની મળી હતી ધમકી
18મી જૂને ઈન્ડિગો એરલાઈન્સના ગ્રાહક સેવા કેન્દ્રની ચેટ પર એક વ્યક્તિએ ચેન્નાઈથી મુંબઈ જતી ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી, જો કે તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની વિસ્ફોટક વસ્તુ મળી ન હતી.
ફ્લાઇટમાં બોમ્બ હોવાની
ફ્લાઈટમાં બોમ્બની ખોટી ધમકી આપનાર વ્યક્તિ તમિલનાડુનો છે. જે તંજાવુર જિલ્લાના તિરુવૈયારુનો રહેવાસી છે. આ વ્યક્તિની ઓળખ 27 વર્ષીય વી પ્રસન્ના તરીકે થઈ છે. પોલીસે બોમ્બની ખોટી ધમકી આપવાના આરોપમાં ધરપકડ કરી છે. સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે પ્રસન્નાની ધરપકડ કરી છે. પ્રસન્નાએ ગ્રાહક સેવા કેન્દ્રની ચેટમાં દાવો કર્યો હતો કે ચેન્નાઈ-મુંબઈ ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો.
41 એરપોર્ટને મળી હતી ધમકી
મહત્વનું છે કે 18 જૂને દેશભરના અન્ય 41 એરપોર્ટ પર ઈમેલ દ્વારા આવી ખોટી ધમકીઓ આપવામાં આવી હતી. જેને પગલે તમામ એરપોર્ટની તપાસ કરવામાં આવી હતી અને સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી ન હતી. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ નકલી બોમ્બની ધમકીઓ આપનારાઓ પર 5 વર્ષનો ફ્લાઈંગ પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે, કારણ કે આવી ધમકીઓને કારણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને બાદમાં પ્રસન્નાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.