• ઇન્દૌરમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા
  • એમજી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના
  • મોનુ કલ્યાણેની હત્યા, પોલીસ તપાસ તેજ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં બીજેપી નેતાની ગોળી મારીને હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. ઈન્દોરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના છે. એક બીજેપી નેતાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. જેનું નામ મોનુ કલ્યાણે છે. મોનુ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ખૂબ નજીકનો માનવામાં આવતો હતો. ઈન્દોર-3 વિધાનસભાની રાજનીતિમાં દખલ કરનાર મોનુ કલ્યાણેની ગણતરી પૂર્વ ધારાસભ્ય કૈલાશ વિજયવર્ગીયના પુત્ર આકાશ વિજયવર્ગીયના ખાસ લોકોમાં થતી હતી.

ફાયરિંગ કરીને ફરાર

આ ઘટના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિમનબાગ વિસ્તારમાં બની હતી. જૂની અદાવતના કારણે પિયુષ અને અર્જુને ગોળી મારી દીધી હતી. હાલ બંને આરોપીઓ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે. પોલીસે તેઓના ઘરે પર પણ દરોડા પાડ્યા છે.

બાઇક પર આવ્યા હુમલાખોર

 મોનુ રેલીની તૈયારી કરીને ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ બંને હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. તેણે મોનુ સાથે વાત શરૂ કરી. આ દરમિયાન બાઇક પર પાછળ બેઠેલા અર્જુને મોનુ પર ગોળીબાર કર્યો હતો. માહિતી એ પણ સામે આવી છે કે મોનુ સિવાય તેના મિત્રો પર પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ નાસી છૂટ્યા હતા. મોનુને મિત્રો દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

કૈલાશ વિજયવર્ગીય મોનુના પરિવારને મળ્યા

બીજી તરફ ઘટનાની માહિતી મળતા જ કૈલાશ વિજયવર્ગીય અને તેનો પુત્ર આકાશ વિજયવર્ગીય મોનુના ઘરે પહોંચ્યા અને પરિવાર સાથે વાત કરી હતી. હાલ આ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે પોલીસકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા છે.

કોણ હતા મોનુ કલ્યાણ?

મોનુ કલ્યાણે ભારતીય જનતા યુવા મોરચાના ઉપાધ્યક્ષ હતા. તેઓ કૈલાશ વિજયવર્ગીયના ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. મોનુ દર વર્ષે ભગવા યાત્રા કાઢતો હતો. આ વખતે પણ તે આ યાત્રાની તૈયારી કરતો હતો. આ દરમિયાન આરોપીઓએ તેના પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. મોનુના પરિવારમાં તેની પત્ની, બે બાળકો, મોટા ભાઈ અને માતા-પિતા પણ છે. 

  • Follow us on: