- ઈઝરાયેલનાં રાજદૂતે હમાસ હુમલા પાછળ ઈરાનનો હાથ હોવાનું કહ્યું
- નાઓરે મિત્રદેશ ભારત તરફથી મળી રહેલા સમર્થનની સરાહના કરી
- હમાસે આ હુમલાનાં પરિણામ સ્વરૂપે મોટી કિંમત ચૂકવવી પડશે
હમાસના હુમલાને લઈને ભારતમાં ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને કહ્યું છે કે અમને ભારતમાં સંપૂર્ણ સમર્થન મળી રહ્યું છે. દેશના મંત્રીઓ, ઉદ્યોગપતિઓ, સનદી અધિકારીઓ અને ભારતના નાગરિકો પણ અમને સોશિયલ મીડિયા પર સપોર્ટ કરી રહ્યા છે. અમે જાણીએ છીએ કે અમારે શું કરવાનું છે પરંતુ અમને નૈતિક સમર્થનની જરૂર છે.
વડાપ્રધાન મોદીનું ઈઝરાયેલને સમર્થન
ગિલોને કહ્યું કે “અમે હમાસને જાણીએ છીએ. તે લોકોની પાછળ છુપાવાનું શરૂ કરશે. હવે તેમની પાસે છુપાવા માટે ઇઝરાયેલના બંધકો પણ છે. આ પછી પેલેસ્ટિનિયન પોતાને પીડિત તરીકે રજૂ કરશે. આ એક મોટી સમસ્યા છે. તેથી અમને ભારતનાં મજબૂત સમર્થનની જરૂર પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમને સમર્થન આપ્યું છે.
હુમલા પાછળ ઈરાન
નૌરે જણાવ્યું હતું કે "ભારત વિશ્વના સૌથી પ્રભાવશાળી દેશોમાંનો એક છે. તે એક એવો દેશ છે જે આતંકવાદ અને તેના કારણે પડતી હાલાકીને સમજે છે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે હમાસ આ ક્રૂરતાને આગળ ચાલુ રાખી શકે નહીં. તે સ્પષ્ટ છે કે "આ હુમલાઓ પાછળ ઈરાનનો હાથ છે. અમે ચોક્કસપણે તેના શસ્ત્રોના પુરવઠા અને તાલીમ વિશે જાણીએ છીએ."
300થી વધુ લોકોના મોત
નાઓરે કહ્યું, "તેઓએ (હમાસ) બાળકો, મહિલાઓ, વૃદ્ધોની હત્યા કરી અને અપહરણ કર્યું. હુમલામાં માર્યા ગયેલાઓની સંખ્યા વધુ વધશે." ઇઝરાયેલના રાજદૂતે કહ્યું, "મને એ જણાવતા અફસોસ થાય છે કે હમાસના હુમલામાં 300 થી વધુ લોકો માર્યા ગયા અને કેટલાકનું અપહરણ કરવામાં આવ્યું, જ્યારે 1800 થી વધુ લોકો ઘાયલ થયા."
આતંકવાદીઓ કિંમત ચૂકવશે
તેમણે કહ્યું કે હુમલામાં ઘણા વિદેશી નાગરિકો પણ માર્યા ગયા છે. જો કે હજુ સુધી ભારતીય નાગરિકો વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. આ હુમલાનું પરિણામ આતંકવાદીઓને ભોગવવું પડશે. આ માટે તેઓએ ભારે કિંમત ચૂકવવી પડશે.