- દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કે. કવિતાની CBI કરશે પૂછપરછ
- 15 માર્ચે કે. કવિતાની ધરપકડ કરી હતી અને તે હાલ તિહાર જેલમાં બંધ
- નિયમિત જામીન અરજી પર કે. કવિતાની 20 એપ્રિલે સુનાવણી થશે
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં CBI હવે જેલમાં બંધ BRS નેતા કે. કવિતાની પૂછપરછ કરશે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBI ને કે. કવિતાની પૂછપરછ કરવાની પરવાનગી આપી દીધી છે. EDએ 15 માર્ચે કે. કવિતાની ધરપકડ કરી હતી અને તે હાલ તિહાર જેલમાં બંધ છે.
કે. કવિતાની CBI કરશે પૂછપરછ
મળતી માહિતી મુજબ, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે CBI ને કે. કવિતાની પૂછપરછ કરવા માટે મંજૂરી આપી છે. શુક્રવારે CBIએ દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ મામલે કે. કવિતાની પૂછપરછ કરવા અને તેમનું નિવેદન નોંધવા માટે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે હવે CBIને કે કવિતાની પૂછપરછ કરવા અને તેમનું નિવેદન નોંધવાની મંજૂરી આપી છે.
કે કવિતા હાલ તિહાર જેલમાં બંધ
BRS નેતા કે કવિતા હાલમાં દિલ્હી લિકર પોલિસી સંબંધિત ED કેસમાં ન્યાયિક કસ્ટડીમાં જેલમાં છે. આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયા પણ જેલમાં છે. આ 3 નેતા કે. કવિતા, અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા તિહાર જેલમાં છે. કે. કવિતાની પૂછપરછ કરવા માટે CBIને પરવાનગી આપતા કોર્ટે કહ્યું છે કે, એજન્સીએ એક દિવસ પહેલા જેલ પ્રશાસન પાસેથી પરવાનગી લેવી પડશે.
વચગાળાની જામીન અરજી પર નિર્ણય સુરક્ષિત
કોર્ટે CBIને એવા સમયે કે. કવિતાની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે જ્યારે તેની જામીન અરજી પર એક દિવસ પહેલા સુનાવણી થઈ હતી. ગુરુવારે, રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કે. કવિતાની વચગાળાની જામીન અરજી પર કોર્ટ હવે સોમવારે પોતાનો ચુકાદો આપશે. તે જ સમયે, તેની નિયમિત જામીન અરજી પર 20 એપ્રિલે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન EDએ કે. કવિતાની જામીન અરજીનો વિરોધ કર્યો હતો.