જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 27 લોકોના મોત થતા દેશભરમાં આતંકવાદીઓ પ્રત્યે ભારતમાં ગુસ્સો છે. ભારત સરકારે પણ આતંકવાદીઓ અને આતંકવાદીઓના અન્નદાતા કહેવાતા પાકિસ્તાનને પાઠ ભણાવવા સિંધુ જળ સંધિ સમાપ્ત કરવા અને અટારી ચેક પોસ્ટ બંધ કરવા જેવા આકરા નિર્ણયો લીધા છે. ત્યારે હવે ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ દ્વારા પાકિસ્તાની કલાકારોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના બાદ હવેથી કોઈપણ પાકિસ્તાની કલાકાર ભારતની ધરતી પર પગ નહી મૂકી શકે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો જ્યારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો અને થોડા જ દિવસોમાં પાકિસ્તાની કલાકાર ફવાદખાનની ફિલ્મ "અબીર ગુલાલ" થોડા સમયમાં રિલીઝ થવાની છે.
પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝે પાકિસ્તાની કલાકારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને પગલે હવે હાનિયા આમિર અને ફવાદ ખાન જેવા પાકિસ્તાની કલાકારોને ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ફેડરેશનના આ નિર્ણય હેઠળ, ફવાદ ખાનની આગામી ફિલ્મ "અબીર ગુલાલ" ની રિલીઝ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે, જે 9 મેના રોજ રિલીઝ થવાની હતી. આતંકવાદી હુમલાને પગલે લોકો પાકિસ્તાની કલાકારોને બોલિવૂડમાં સ્થાન આપવાના વિરોધને સોશિયલ મીડિયા પર પાકિસ્તાની કલાકારોને બોયકોટ કરવાની માગ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયામાં લોકોએ પાકિસ્તાની કલાકારોની કાઢી ઝાટકણી
સોશિયલ મીડિયામાં લોકો ટીકા કરી રહ્યા છે કે જો ભારતના ક્રિકેટરો પાકિસ્તાનમાં મેચ રમવા જતા નથી. તો પછી કેમ પાકિસ્તાનના કલાકારોને બોલીવુડ છાવરી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાને ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યું હતું. પરંતુ ભારતના ક્રિકેટરો આતંકવાદ હુમલાને જોખમને લઈને પાકિસ્તાનમાં મેચ રમવાની ના પાડતા આખરે પાકિસ્તાને દુબઈમાં આ ટ્રોફીનું આયોજન કર્યું. જેમાં તે યજમાન હોવા છતાં ભારત વિજેતા બન્યું હતું. ક્રિકેટરો જ્યારે પાકિસ્તાનના બેજવાબદાર વલણને મચક આપતા નથી. ત્યારે ભારતના બોલીવુડના કરણજોહર જેવા બની બેઠેલા માંધાતાઓ પાકિસ્તાની કલાકારોને કેમ પોષી રહ્યા છે ? કેમ પાકિસ્તાની કલાકારોને બોલીવુડની ફિલ્મોમાં લેવામાં આવે છે ? કેમ પાકિસ્તાની એન્કરોના ભારતમાં શો રાખવામાં આવે છે ? શું ભારતમાં કલાકારોની અછત છે ?, અનેક સવાલો આજે સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે.
આજે સોશિયલ મીડિયામાં પાકિસ્તાની કલાકારોને બોલીવુડમાં તો શું ભારતની એક ઇંચ જેટલી જગ્યામાં પણ ના મૂકવો જોઈએ તેવી માંગ ઉઠવા લાગી છે. થોડા સમયમાં ફવાદ ખાનની ફિલ્મ રિલીઝ થવાની છે. અને અગાઉ પણ માહિરા, ફવાદ અને હાનિયા આમીર જેવા પાકિસ્તાની કલાકારો બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ધરખમ કમાણી કરી ચૂકયા છે. બહારના લોકોને કામ મળે છે જ્યારે ભારતના કલાકારો બેકાર ફરે છે. બોલીવુડના માંધાતાઓ એક રીતે પાકિસ્તાની કલાકારોને પોષી રહ્યા છે તેવુું કહી શકાય. અને એટલે જ લોકો કહેવા લાગ્યા છે કે ભારતની કમાણી પાકિસ્તાનમાં સમાણી. લોકોનો આ રોષ કાયમ રહે તો સારું. કારણ કે જ્યારે જ્યારે પણ આવા કિસ્સાઓ બને છે ત્યારે લોકોના બંધ કરવા દેખાડા પુરતું કામ કરવામાં આવે છે અને વાતાવરણ શાંત થાય ત્યારે ફરી પાછા પાકિસ્તાની કલાકારો બોલીવુડના બારણે દસ્તક કરતા જોવા મળે છે.
ફવાદ ખાનની ફિલ્મ વિવાદમાં
જણાવી દઈએ કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન છેલ્લે 2016માં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. ફવાદખાન કરણ જોહરની ફિલ્મ 'એ દિલ હૈ મુશ્કિલ' અને 'કપૂર એન્ડ સન્સ'માં જોવા મળ્યો હતો.અને હવે આઠ વર્ષના લાબા ગાળા બાદ ફરી પાકિસ્તાની અભિનેતા ફવાદની બોલિવૂડમાં વાપસી થવા જઈ રહી છે. ફવાદની ફિલ્મની લઈને અગાઉ પણ મહારાષ્ટ્રમાં વિરોધ જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં આ ફિલ્મ રિલીઝ નહી થવા દઈએ તેવી શિવસેનાના સૈનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. આગામી દિવસોમાં રિલીઝ થનાર બોલીવુડની ફિલ્મ "અબીર ગુલાલ" માં વાણી કપૂર સાથે મુખ્ય અભિનેતા તરીકે પાકિસ્તાનનો કલાકાર હોવાથી આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ નહી કરવાને લઈને શિવસેના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અમે પાકિસ્તાનના કલાકારોની કોઈપણ ફિલ્મોને કોઈપણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દઈશું નહીં. જો કે પહેલગામ હુમલાને પગલે "અબીર ગુલાલ" ફિલ્મની અભિનેત્રી વાણીકપૂરે સોશિયલ મીડિયા પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું હતું. અને તેણે લખ્યું હતું કે હું આ ઘટનાથી ખૂબ દુઃખી છું. પીડિતો પ્રત્યે મારી સંવેદના છે.