- કેરળમાં લાંચના આરોપી જજની આપઘાત મામલે વધુ એક ખુલાસો
- યુનિવર્સિટી ફેસ્ટિવલ લાંચ લેવાના આરોપમાં શાજીને કર્યા હતા સસ્પેન્ડ
- મૃતક શાજીના ઘરેથી સૂસાઈડ નોટમાં આપવીતિનો કર્યો ઉલ્લેખ
કેરળ યુનિવર્સિટી આર્ટ્સ ફેસ્ટિવલ લાંચ કેસના આરોપી જજે ગઈકાલે કન્નુરમાં પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. મૃતકની ઓળખ કન્નુર જિલ્લાના ચોવવાના વતની પીએન શાજી તરીકે થઈ છે. તેના ઘરેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે કોઈ પૈસા લીધા નથી અને તે નિર્દોષ હોવાનું જણાવ્યું છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું કે, મૃતકની ઓળખ 51 વર્ષીય પીએન શાજી તરીકે થઈ છે અને શંકા છે કે તેણે ઝેર પીધું હતું. શાજી બુધવારે સાંજે થાજે ચોવા પાસે કન્નુર દક્ષિણ રેલ્વે સ્ટેશન પાસેના તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
શું હતો સમગ્ર મામલો?
પોલીસના જણાવ્યા અનુસાર, ગઈકાલે નાસ્તો કર્યા બાદ 51 વર્ષીય પીએન શાજી પોતાને એક રૂમમાં બંધ કરી લીધો હતો. તેણે તેના પરિવારના સભ્યોને કહ્યું કે, તે લંચ નહીં કરે અને તેમને ખલેલ ન પહોંચાડવા પણ કહ્યું. બાદમાં તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતક કેરળ યુનિવર્સિટીનો યુથ ફેસ્ટિવલ વિવાદોમાં ઘેરાયેલા હતા અને આખરે વાઇસ ચાન્સેલર દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, સ્પર્ધામાં કેટલાક ન્યાયાધીશો પર લાંચ લેવાનો આરોપ હતો. યુનિવર્સિટી યુનિયનના સભ્યોએ તેમના આરોપોના પુરાવા તરીકે વોટ્સએપ મેસેજ રજૂ કર્યા હતા. ત્યારબાદ, શાજી અને બે ટ્રેનર્સને કેન્ટોનમેન્ટ પોલીસે તહેવારના સ્થળેથી કસ્ટડીમાં લીધા હતા. બાદમાં પોલીસે તેને છોડી મુક્યો હતો.
શાજીના ઘરેથી સૂસાઈડ નોટ મળી
સમગ્ર ઘટનાને પગલે પોલીસે શાજીને નોટિસ પાઠવીને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું હતું. હાલમાં શાજીનો મૃતદેહ કન્નુર જિલ્લા હોસ્પિટલના પીએમ અર્થે ખસેડાયો છે. કન્નુર સિટી પોલીસે જણાવ્યું કે, મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે. શાજીના રૂમમાંથી એક સુસાઈડ નોટ પડેલી મળી હતી, જેમાં લખ્યું હતું કે, હું નિર્દોષ છું. મેં કંઈ ખોટું કર્યું નથી.