કેરળના માલાપ્પુરમ જિલ્લાના અનાકલ્લુ ગામમાં સતત જમીનમાં વિસ્ફોટ જેવા અવાજ આવી રહ્યા છે. જેના લીધે લોકોમાં ભયનો માહોલ છે. આ માટે કેરળ રાજ્ય સ્ટેટ ડિઝાસ્ટર ટીમને બોલાવવામાં આવી અને તપાસ કરતા ચોંકાવનારો ખુલાયો થયો છે. જમીનની અંદરથી આવતા આ વિસ્ફોટોના અવાજ ગત મહિને ત્રણ વાર સંભળાયા હતા.
સઘન તપાસ બાદ જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. વિસ્ફોટ જેવો અવાજ જમીન નીચે પડેલા પથ્થરોમાંથી આવી રહ્યો હતો. તેના કારણે જ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વાસ્તવમાં, જમીનની નીચે પૃથ્વીના પોપડાના ભાગમાં પથ્થરો અને તિરાડોના ઘર્ષણને લીધે ધડાકાનો અવાજ આવી રહ્યો હતો. અને કંપન અનુભવાયું હોવાનું સામે આવ્યું હતું.
જ્યારે ભૂગર્ભજળ સુકાયા બાદ અવાજ આવે છે
ઘણીવાર ધરતીના પેટાળમાં ભૂગર્ભજળ સુકાઈ જવાને કારણે આવું થાય છે. ઘણી વખત હવાના દબાણને કારણે ખડકો અને પથ્થરોની વચ્ચેની જગ્યા ભરાઈ જાય છે અથવા ખાલી થઈ જાય છે, જેના કારણે ધડાકાનો અવાજ આવતો રહે છે. આવી જ એક ઘટના ઝારખંડની રાજધાની રાંચીમાં પણ બની હતી. જ્યારે મ્યાનમારમાં આવેલા ભૂકંપના કારણે રાંચીના ટ્યૂબવેલો ફંગોળાઈ ગઈ હતી. જેના કારણે હવાનું દબાણ બહાર આવ્યું હતું. આના લીધે લોકોએ જમીન પરથી વિસ્ફોટક અવાજો સાંભળ્યા હતા.
300 લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
કેરળમાં કોઈ ભૂકંપ આવ્યો ન હતો પરંતુ ધરતીની નીચે પથ્થરો લપસી જવાને કારણે ટ્યૂબવેલ સરકી ગઈ હતી. તેમાં હાજર હવાનું દબાણ વિસ્ફોટના રૂપમાં બહાર આવ્યું હતું. કેરળ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે, આ વિસ્ફોટો અને કંપનથી જે ઈમારતોને નુકસાન થયું છે તે નબળી અને જૂની છે. ઈમારતોને થયેલા નુકસાનની તપાસ કર્યા બાદ તેનું સમારકામ કરવામાં આવશે. દરમિયાન, અનાકલ્લુ ગામમાંથી 300 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
29 ઓક્ટોબર 2024ની રાત્રે શું થયું
મંગળવાર, ઓક્ટોબર 29, 2024ના રોજ, અનાકલ્લુ ગામમાં 9:15, 10:15 અને 11:45 વાગ્યે હળવા આંચકા અનુભવાયા હતા. ધડાકાનો અવાજ પણ સંભળાયો. આ અવાજો લગભગ 2 કિલોમીટરના વિસ્તારમાં સંભળાયા હતા. કંપન પણ અનુભવ્યું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે તેઓએ ખાણમાં વિસ્ફોટ જેવો અવાજ સાંભળ્યો હતો. કેટલાક ઘરોમાં તરત જ તિરાડો પડવા લાગી. જેના કારણે લોકો ભયભીત બની ગયા હતા.