મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે મંગળવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યા અને તેમના પદ પરથી રાજીનામું આપ્યું. તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસનું નામ લગભગ ફાઈનલ થઈ ગયું છે. તેમના નામની આજે જ જાહેરાત કરવામાં આવશે. પહેલાની જેમ નવી સરકારમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. શિવસેના (શિંદે જૂથ) અને NCP (અજિત જૂથ)માંથી એક-એક ડેપ્યુટી સીએમ હશે. અજિત પવાર એનસીપીના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે અને શિંદે શિવસેનાના કોઈપણ ધારાસભ્યનું નામ આગળ કરી શકે છે. વિધાનસભાનો કાર્યકાળ આજે એટલે કે 26મી નવેમ્બર સુધી જ છે. જો કે નવા મુખ્યમંત્રીના શપથની તારીખ નક્કી કરવામાં આવી નથી. ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યકારી મુખ્યમંત્રી રહેશે.
મહારાષ્ટ્રના રાજ્યપાલ, સીએમ અને ડેપ્યુટી સીએમએ 26/11ના વીરોને શ્રદ્ધાંજલિ આપી
મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવારે મંગળવારે મુંબઈ આતંકી હુમલાની 16મી વરસી પર શ્રદ્ધાંજલિ આપી હતી. 2008માં 26/11ના મુંબઈ આતંકી હુમલામાં 20 જવાન, 26 વિદેશીઓ સહિત 174 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને અનેક કેન્દ્રીય મંત્રીઓએ પણ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિએ લખ્યું- કૃતજ્ઞ રાષ્ટ્ર તેના બહાદુર સુરક્ષા જવાનોને સલામ કરે છે જેમણે આપણા લોકોની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- આતંકવાદ સમગ્ર માનવ સભ્યતા પર એક કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિની સમગ્ર વિશ્વ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વ નેતા બની ગયું છે.