• મહુઆ મોઇત્રા ઇડી સામે નહી થાય હાજર
  • ફેમા કેસ મામલે ઇડીએ પાઠવ્યુ છે સમન્સ
  • કૃષ્ણનગરથી લડી રહ્યા છે ચૂંટણી
ટીએમસી નેતા મહુઆ મોઇત્રાને ફેમા કેસ મામલે ઇડીએ સમન્સ પાઠવ્યુ હતું. આજે ઇડી સમક્ષ હાજર થવાનું હતું પરંતુ મહુઆ મોઇત્રા આજે ઇડી સમક્ષ હાજર નહી થાય. તેઓ આજે પોતાના મતવિસ્તાર કૃષ્ણનગરમાં ચૂંટણી પ્રચાર કરવા જઇ રહ્યા છે. 

ઇડીને જણાવ્યું આ કારણ
ટીએમસીના પૂર્વ સાંસદે પોતાના નિર્ણય વિશે કેન્દ્રીય તપાસ એજન્સીને જાણ કરી છે અને લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમને ફોન ન કરવા જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે મહુઆને કેન્દ્રીય એજન્સી દ્વારા અગાઉ પણ બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, જો કે, તેણે સત્તાવાર કામને ટાંકીને તે બંને સમન્સની અવગણના કરી હતી. ઉલ્લેખનીય છે કે
બુધવારે તપાસ એજન્સીએ મોઇત્રા અને દુબઈ સ્થિત બિઝનેસમેન દર્શન હિરાનંદાનીને આજે એટલે કે ગુરુવારે હાજર થવા માટે નવું સમન્સ પાઠવ્યુ હતું.

અગાઉ કરી હતી અરજી

પીટીઆઇના અધિકારીક સૂત્રોના જણાવ્યાનુસાર ઇડી આ પહેલા પણ અનેકવાર ફેમા હેઠળ મોઇત્રાને સમન્સ મોકલી ચૂકી છે.હાલમાં જ મોઇત્રાએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કેસની તપાસ કરવાની રીતને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

મહુઆ મોઇત્રાએ અરજીમાં શું માંગણી કરી?

મોઇત્રાએ અરજીમાં માગણી કરી હતી કે આ કેસ સાથે જોડાયેલી કોઈપણ ગુપ્ત અથવા વણચકાસાયેલી માહિતી મીડિયામાં પ્રસારિત થવી જોઈએ નહીં. 19 મીડિયા સંસ્થાઓના નામ લઈને, તેમણે કોર્ટને વિનંતી કરી હતી કે તેઓ કોઈપણ ચકાસ્યા વિનાની, ખોટી, બદનક્ષીપૂર્ણ સામગ્રીના પ્રસારણ અથવા પ્રકાશનને અટકાવે. જ્યારે EDએ કહ્યું હતું કે તેમણે મીડિયાને કોઈ માહિતી લીક કરી નથી. તે પ્રકાશિત સમાચાર લેખોના સ્ત્રોતોથી વાકેફ નથી.

કેશ ફોર ક્વેરીનો મામલે પણ તપાસ ચાલુ

કેશ ફોર ક્વેરી મામલે આરોપોની તપાસ બાદ ડિસેમ્બરમાં મહુઆ મોઇત્રાને અનૈતિક વ્યવહારને કારણે લોકસભામાંથી હાંકી કઢાયા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ફરિયાદમાં આરોપ છે કે મોઇત્રાએ હિરાનંદાની પાસેથી રોકડ અને ભેટોના બદલામાં સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા.જો કે, મોઇત્રાએ કોઈપણ ગેરરીતિ કરી હોવાનો ઇનકાર કર્યો છે અને દાવો કર્યો છે કે તેણીને નિશાન બનાવવામાં આવી રહી છે કારણ કે તેણે અદાણી જૂથના સોદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

  • Follow us on: