- 19 પોલીસ સ્ટેશનના વિસ્તારને બાદ કરતા સ્થિતિ જોખમી
- ધારાસભ્યોએ અમિત શાહને ઘટનાની લેખિતમાં જાણ કરી
- હિંસાની તપાસ સીબીઆઈ એજન્સી કરશે, રીપોર્ટ તૈયાર થશે
પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ફરી એકવખત સ્થિતિ સંવેદનશીલ બની છે. વિરોધ પ્રદર્શન અને હિંસાને ધ્યાને લેતા સરકારે સમગ્ર રાજ્યને અશાંત ક્ષેત્ર તરીકે જાહેર કરી દીધું છે. સતત તણાવગ્રસ્ત સ્થિતિને ધ્યાને લેતા રાજ્યમાં ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હિંસા જેવી ઘટનાઓમાં ઘટાડો થયા બાદ જ સરકારે તારીખ 23 સપ્ટેમ્બરના રોજ મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ માટે છૂટ આપી હતી.
ગૃહવિભાગે નોટિફિકેશન જાહેર કર્યું
મણિપુર રાજ્યના ગૃહવિભાગે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર, રાજ્યપાલનો એવો મત રહ્યો છે કે, જુદા જુદા વિરોધ કરનારા પક્ષની વચ્ચે હિંસક પગલાંઓથી સમગ્ર મણિપુરમાં સૈન્ય ટુકડીઓની જરૂર છે. જે નાગરિકોને સુરક્ષિત રાખશે અને સહાયતા પણ કરશે. જેમાં ઈમ્ફાલ, લામ્ફેલ, સિટી, સિંગજામેઈ, સેકમાઈ, લામાસાંગ, પાટસેઈ, વાંગોઈ, પોરોમ્પૈટ, હેઈંગાગ, લામલાઈ, ઈરિલબુંગ, લીમાખોંગ, થૌબલ, બિષ્ણુપુર, નામબોલ, મોઈરાંગ, કાકચિંગ અને જીરીબામ જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. જોકે, રાજ્યના કુલ 19 પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં શાંતિ છે. એ સિવાયના વિસ્તારોને ડિસ્ટર્બ એરિયા તરીકે જાહેર કરી દેવામાં આવ્યા છે.
વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન
રાજ્યમાં બે લાપતા વિદ્યાર્થીઓની મૃત્યુંની ઘટના સામે આવ્યા બાદ રાજ્યમાં ફરી તણાવગ્રસ્ત સ્થિતિ છે. ઈમ્ફાલ સિટી અને પહાડી વિસ્તારમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઊતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નો ઊભા થયા છે. હિંસાની મોટી કોઈ ઘટના બની નથી તેમ છતાં સ્થિતિ સતત વણસી રહી છે. મંગળવારની મોડી રાત સુધી ઈમ્ફાલના મુખ્ય રસ્તાઓ પર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. નારેબાજી કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઈન્ટરનેટ સર્વિસની છૂટ મળતા જ હિંસાના જૂના વીડિયો અને કેટલીક સંવેદનશીલ જાણકારી સોશિયલ મીડિયા થકી વાયરલ થવા લાગી હતી.
સોશિયલ મીડિયા થકી અફવા ફેલાઈ
સરકારે જણાવ્યા અનુસાર આ પ્રકારની માહિતીમાં અફવાઓ પણ ફેલાવવામાં આવી રહી હતી. મણિપુરમાંથી લાપતા થયેલા બે વિદ્યાર્થીઓની તસવીર અને એમના મૃત્યુંના વાવડ સામ આવ્યા બાદ પહાડી વિસ્તારમાં સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. મણિપુરના ધારાસભ્યોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સમગ્ર ઘટનાની લેખિતમાં જાણ કરી છે. આ સાથે સીબીઆઈ એજન્સી તપાસ કરે એવી માગ પણ કરવામાં આવી છે. લેખિતમાં જાણકારી મળ્યા બાદ એક્શન મોડ પર આવેલી કેન્દ્ર સરકારે સીબીઆઈની એક ટીમને મણિપુરના ઈમ્ફાલ માટે રવાના કરી દીધી છે. મણિપુરમાં થયેલી હિંસાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે.
શિક્ષણક્ષેત્રને માઠી અસર
બીજી તરફ કુક સમાજના સંગઠને પણ સીબીઆઈની ટીમનું સ્વાગત કર્યું છે. અફવાને ફેલાતી રોકવા માટે સરકારે 26 સપ્ટેમ્બરથી ફરીથી ઈન્ટરનેટ સર્વિસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જોકે, સતત સંવેદનશીલ સ્થિતિને કારણે શાળા કૉલેજ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. જેના કારણે આવા તણાવગ્રસ્ત માહોલની અસર એજ્યુકેશન સેક્ટર ઉપર પણ પડી રહી છે.