- મણિપુરના ઇમ્ફાલમાં તણાવપૂર્ણ સ્થિતિ
- સગીરાની હત્યા કરાયેલી લાશનો ફોટો વાયરલ થતા ભડકી હતી હિંસા
- ગુરુવારથી ઇમ્ફાલમાં છે કર્ફ્યુ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ
મણિપુરના ઇમ્ફાલમાં ફરીથી સ્થિતિ તણાવપૂર્ણ બની છે. થોડા દિવસ અગાઉ બે સગીરની હત્યા કરાયેલી લાશ મળી આવતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ઠેર ઠેર દેખાવો કર્યા હતા. જે બાદ મુખ્યમંત્રી એન. બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર હુમલાનો પ્રયાસ કરવાની પણ કોશિશ થઇ હતી. જે બાદ ફરીથી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં સ્થિતિ શાંત છે.
જનતાને કર્ફ્યુમાં આંશિક રાહત
મુખ્યમંત્રી એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર હુમલો કરવાના પ્રયાસ સહિત હિંસક અથડામણના એક દિવસ પછી શુક્રવારે મણિપુરની ઇમ્ફાલ ખીણમાં પરિસ્થિતિ શાંત પરંતુ તણાવપૂર્ણ રહી હતી. જો કે શાંત સ્થિતિને પગલે સત્તાધીશોએ ઇમ્ફાલ પૂર્વ અને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાઓમાં સવારે 5 થી 11 વાગ્યા સુધી કર્ફ્યુમાં રાહત આપી છે જેથી લોકો આવશ્યક ચીજવસ્તુઓ અને દવાઓની ખરીદી કરી શકે.
મણિપુર સરકારે કર્ફ્યુમાં આપી ઢીલ
મણિપુર સરકારે શનિવારે સવારે 5 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી બંને જિલ્લાઓમાં કર્ફ્યુ હટાવવાની ઘોષણા કરી છે. પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયુ કે સવારે પાંચ થી બપોરે બે વાગ્યા સુધીમાં નાગરિકો ઘરની બહાર અવર જવર કરી શકશે. પરંતુ મંજૂરી વિના સભા, ધરણા, વિરોધ, રેલી કરી શકશે નહી.
બિષ્નુપુરમાં કેવી છે સ્થિતિ ?
બિષ્ણુપુર જિલ્લા પ્રશાસને એક અલગ આદેશમાં જણાવ્યું છે કે કર્ફ્યુમાં છૂટછાટ શનિવારે સવારે 5 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રહેશે. આરોગ્ય, વીજળી, મીડિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન જેવી આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકોને કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે.
ગુરુવારે સ્થિતિ બની હતી તંગ
ઇમ્ફાલ ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા અને કર્ફ્યુ હોવા છતાં પણ ગુરુવારે રાત્રે ટોળાએ મુખ્યમંત્રીના ખાલી પડેલા પૈતૃક ઘર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિ એટલી હદે તંગ હતી કે સુરક્ષા દળોએ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા . જો કે અંતે આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષાદળોએ પૈતૃક આવાસ લગભગ 100-150 મીટર દૂર ભીડને રોકી દીધી હતી.
ઇમ્ફાલમાં ફરી કેમ સ્થિતિ વણસી ?
ઇમ્ફાલ પૂર્વમાં હટ્ટા મિનુથોંગ ખાતે બે હત્યા કરાયેલા સગીરની લાશની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થયાના કલાકોમાં જ હિંસા ભડકી હતી. જેને લઇને હત્યામાં સંડોવાયેલાની ધરપકડ થાય તેવી માંગ સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે સુરક્ષાદળોએ વિરોધીઓને આગળ વધતા અટકાવ્યા હતા. મળતી માહિતી મુજબ આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે મોડી રાત્રે ઇમ્ફાલ પૂર્વના ચેકોન વિસ્તારમાં ટોળાએ એક મકાનમાં આગ લગાવી દીધી હતી. બાદમાં ફાયર ફાઈટરોએ આગને કાબુમાં લીધી હતી. તેમણે કહ્યું કે ઈમ્ફાલ પૂર્વ જિલ્લાના વાંગખેઈ, ખુરાઈ અને કોંગબામાં દેખાવકારોએ સુરક્ષા દળોની હિલચાલને અવરોધવા માટે ટાયરો સળગાવી અને લોખંડના સળિયા અને પથ્થરો વડે રસ્તાઓ બ્લોક કરી દીધા હતા.
શું બની હતી ઘટના ?
6 જુલાઈએ ટ્યુશનેથી પાછા આવતી વખતે બે સગીરાઓનું અપહરણ થયું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોમાં બંને જમીન પર બેઠેલી જોવા મળી રહી છે, તેમની પાછળ અજાણ્યા બંધકધારીઓ ઊભેલા જોવા મળ્યા હતા. બીજી તસવીરમાં બંને સગીરાની લાશ પડેલી જોવા મળી હતી.. આ બન્ને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિંસા ફરી ભડકી હતી.. પરિવારના જણાવ્યાનુસાર દિકરી કેમેસ્ટ્રી ટ્યુશન સેન્ટરથી ફિઝિક્સના ટ્યુશન સેન્ટર સુધી ચાલતી હતી. તે તેની માતા સાથે ફોન પર વાત કરી રહી હતી અને અચાનક તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કોઇએ ફોન છીનવી લીધો હોય તેમ લાગ્યુ હતું.