- મનીષ સિસોદિયાના EDના રિમાન્ડ લંબાવાયા છે
- EDએ તેમના PA દેવેન્દ્ર શર્માને પણ સમન્સ મોકલ્યું
- શર્માને 18 માર્ચે પૂછપરછ માટે ED હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો
કથિત દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં સંડોવાયેલા આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના રિમાન્ડ લંબાવાયા છે. હવે આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ તેમના PA દેવેન્દ્ર શર્માને પણ સમન્સ મોકલ્યું છે. તેને 18 માર્ચે પૂછપરછ માટે ED હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉ પણ PA શર્માને સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેમણે સમય માંગ્યો હતો. અગાઉ CBI તેમની પૂછપરછ પણ કરી ચૂકી છે.
CBIએ પૂછપરછ કરી હતી
AAP નેતા સિસોદિયાના PA શર્મા પર આરોપ છે કે તેમણે મનીષ સિસોદિયાના કહેવા પર પોતાના ખર્ચે મોબાઈલ ફોન ખરીદ્યા હતા. CBIએ બે અઠવાડિયા પહેલા આ અંગે તેમની પૂછપરછ કરી હતી. દિલ્હીની એક્સાઇઝ પોલિસી કેસમાં CBI અને ED કથિત કૌભાંડની તપાસ કરી રહી છે, તે પોલિસી હવે રદ કરવામાં આવી છે.
ગયા વર્ષે 25 નવેમ્બરે આ કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં એક્સાઇઝ વિભાગના પ્રભારી રહેલા સિસોદિયાનો આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર CBIએ ચાર્જશીટમાં સિસોદિયાનું નામ લીધું ન હતું કારણ કે કેન્દ્રીય તપાસ એજન્સી તેમની અને અન્ય શંકાસ્પદ આરોપીઓ સામે તપાસ કરી રહી હતી.
સાઉથ લોબીનું નામ સામે આવ્યું હતું
CBIએ આરોપ લગાવ્યો હતો કે 2021-22 માટે દિલ્હી સરકારની આબકારી નીતિએ 'સાઉથ લોબી' હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓના જૂથના પ્રભાવ હેઠળ હોલસેલ ડીલરોને અયોગ્ય નફાનું માર્જિન આપ્યું હતું. આમ આદમી પાર્ટીએ આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો અને પછીથી આ નીતિને રદ કરવામાં આવી હતી.
ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ FIR નોંધ્યા પછી, CBIના પ્રવક્તાએ તપાસ કર્યા પછી કહ્યું હતું કે, એક્સાઈઝ નીતિમાં સુધારા, લાયસન્સધારકોની અનુચિત તરફેણ, લાઇસન્સ ફીમાં મુક્તિ અથવા તો ઘટાડો, મંજૂરી વિના એલ-1 લાયસન્સનું વિસ્તરણ વગેરે. ઘણી ગેરરીતિઓ કરવામાં આવી હતી.