• દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરાઈ છે

  • મનીષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની ખંડપીઠે કરી
  • આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા હાલમાં CBIની કસ્ટડીમાં છે

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન મેળવવા માટે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમની અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે કરી હતી. કોર્ટે આ મામલાની સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને સિસોદિયાને હાઈકોર્ટનો સંપર્ક કરવા કહ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, AAP નેતા મનીષ સિસોદિયા હાલમાં CBI કસ્ટડીમાં છે.

આ કેસમાં સીજેઆઈએ કોર્ટમાં કહ્યું હતું કે, મનીષ સિસોદિયા સીધા જ સુપ્રીમ કોર્ટ પાસેથી જામીન અને અન્ય રાહતની માંગ કરી રહ્યા છે. તેમણે કોર્ટમાં અર્નબ ગોસ્વામી અને વિનોદ દુઆના કેસને ટાંક્યો છે પરંતુ આ બંને કેસ તેમના કેસથી તદ્દન અલગ છે. આથી મનીષ સિસોદિયાએ નીચલી કોર્ટમાંથી જામીન લેવા જોઈએ. આ સાથે જ FIR રદ કરાવવા માટે પણ હાઈકોર્ટમાં જવું જોઈએ. ‘

સુપ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે

સિસોદિયા તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ એએમ સિંઘવીએ કહ્યું હતું કે, મનીષ સિસોદિયાને માત્ર બે વખત પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ અગાઉ ધરપકડ પહેલા અર્નેશ કુમાર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનું પાલન કરવામાં આવ્યું ન હતું. જો કે સીજેઆઈએ કહ્યું કે, આ દલીલો અને બાબતો સાચી હોઈ શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજીની સીધી સુનાવણી કરી શકે નહીં.

હાઈકોર્ટમાં જાવ, અમે સુનાવણી નહિ કરીએ: SC

જસ્ટિસ નરસિમ્હાએ કહ્યું હતું કે, આ મામલો દિલ્હીનો છે, આથી તેનો અર્થ એ નથી કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવો. આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ છે આથી તેની સ્પ્રીમ કોર્ટ સીધી સુનાવણી ન કરી શકે. આ સાથે જ સીજેઆઈએ કહ્યું કે, આ જામીન અરજી હાઈકોર્ટમાં કરવી જોઈએ. સુપ્રીમ કોર્ટ આ અરજીની સુનાવણી કરશે નહિ.

મનીષ સિસોદિયા સીબીઆઈની કસ્ટડીમાં છે

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર આમ આદમી પાર્ટી (AAP) એ કહ્યું કે અમે કોર્ટનું સન્માન કરીએ છીએ. અમે હાઈકોર્ટમાં જઈશું. એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરાયેલા મનીષ સિસોદિયાને સોમવારે દિલ્હીની વિશેષ અદાલતે પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા હતા. કોર્ટે કહ્યું હતું કે યોગ્ય અને નિષ્પક્ષ તપાસ માટે તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોના યોગ્ય અને માન્ય જવાબો મેળવવા જરૂરી છે અને કોર્ટના મતે આ બાબત આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ દ્વારા જ શક્ય બની શકે તેમ છે.

  • Follow us on: