• દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી
  • કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા
  • સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી

એક્સાઇઝ પોલિસી મામલે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આપ નેતા મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ મનીષ સિસોદિયાને પાંચ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ બુધવારે દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટમાં રજૂ કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આ મામલે સિસોદિયાની પૂછપરછ કરવા માટે વધુ રિમાન્ડની માગ કરી ન હતી. આને ધ્યાનમાં રાખીને કોર્ટે સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. આથી સ્પષ્ટ થાય છે કે સિસોદિયાને હજુ થોડા દિવસો જેલમાં વિતાવવા પડશે. મનીષ સિસોદિયાએ જજ એમ. કે. નાગપાલ પાસે જેલમાં વાંચવા માટે કેટલાક વધુ પુસ્તકોની માગણી કરી હતી. આ માટે તેમણે કોર્ટમાં અરજી કરી હતી. જેના પર કોર્ટે કહ્યું છે કે તેઓ જે પુસ્તક ઈચ્છે છે તે તેમને આપવામાં આવશે.

કોર્ટે EDને નોટિસ આપી

આ પહેલા 21 માર્ચે દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, જેના પર કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નું સ્ટેન્ડ માગ્યું હતું. સ્પેશિયલ જજ એમ. કે. નાગપાલે EDને નોટિસ પાઠવીને 25 માર્ચ સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. 17 માર્ચે કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા સિસોદિયાની ED કસ્ટડીને પાંચ દિવસ વધારીને 22 માર્ચ સુધી કરી દીધી હતી. EDએ 9 માર્ચે સિસોદિયાની તિહાર જેલમાંથી ધરપકડ કરી હતી. 2021-22 માટે દિલ્હી એક્સાઇઝ પોલિસીના નિર્માણ અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

આ જ મામલે કે. કવિતાની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે

તેલંગાણાના શાસક ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના વિધાન પરિષદના સભ્ય કે. કવિતાની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મંગળવારે ત્રીજા દિવસે લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી પર તેમની વિરુદ્ધ આક્ષેપો લગાવવાના આરોપ મૂકતા, કવિતાએ કહ્યું કે તે આ પ્રકારની કોઈ પણ ગેરસમજને દૂર કરવા માટે ફોન જમા કરાવી રહી છે જે એજન્સી કથિત રીતે બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કેસના તપાસ અધિકારીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, જનતા સમક્ષ જાણીજોઈને ખોટા આરોપો લીક કરવાથી રાજકીય સંઘર્ષ વધ્યો છે જેમાં તેમના રાજકીય વિરોધીઓ આક્ષેપોની આડશ કરી રહ્યા છે. કવિતાએ કહ્યું કે આવી સ્થિતિમાં તેમના પર કહેવાતા પુરાવાનો નાશ કરવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, તેમની પ્રતિષ્ઠાને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે અને તેમને અને તેમની પાર્ટીને બદનામ કરવાના પ્રયાસો થઈ રહ્યો છે.

  • Follow us on: