સાંજના 6 વાગ્યા સુધીના સમાચારોની વાત કરીએ તો કોર્ટે મનીષ સિસોદિયાના વધુ 5 દિવસના EDના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો કોંગ્રેસ નેતા પવન ખેડાની અરજી પર સુનાવણી 20 માર્ચ સુધી ટળી છે. તો ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. તેમ છતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. વાંચો વધુ સમાચાર વિગતે...
કોર્ટે મનીષ સિસોદિયાના વધુ 5 દિવસના EDના રિમાન્ડ મંજૂર કર્યા
દિલ્હી લિકર પોલીસી કેસમાં આરોપી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલી દીધા છે. EDએ સિસોદિયાના 7 દિવસના વધુ રિમાન્ડની માંગણી કરી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે મોબાઈલના ડેટા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે અને તેનો ડેટા કાઢવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસ નેતા પવન ખેડાની અરજી પર સુનાવણી 20 માર્ચ સુધી ટળી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પિતા પર અભદ્ર ટિપ્પણીના મામલામાં કોંગ્રેસ નેતા પવન ખેડાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 20 માર્ચ સુધી મુલતવી રાખવામાં આવી છે. ખેડાના વકીલ અભિષેક મનુ સિંઘવીની ગેરહાજરીને કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી હતી.
AAPએ કૂવાનું પાણી પીવે છે જેમાં ભાંગ છે, BJPના લિકર પોલિસી પરપ્રહાર
બીજેપીએ AAP ચીફ અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર જોરદાર પ્રહાર કર્યા છે. બીજેપી પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ શુક્રવારે (17 માર્ચ) આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કેજરીવાલ પોતે પણ દિલ્હી લિકર પોલિસી મામલે સામેલ છે. સુધાશુન ત્રિવેદીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી એ કૂવાનું પાણી પી રહી છે જેમાં ભાંગ પડેલી છે.
ઠગ કિરણ પટેલ તો મહાઠગ નીકળ્યો, પોલીસ ચોપડે અગાઉ પણ ગુના નોંધાયેલા
PMOના ઉચ્ચ અધિકારી ગણાવી બુલેટપ્રૂફ વાહનમાં ફરતા અમદાવાદના કિરણ પટેલની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મહાઠગ કિરણ પટેલ મામલે ચોંકાવનારા ખુલાસા થયા છે. જમ્મુમાં PMO ઓફિસર ગણાવતો કિરણ પટેલ અગાઉ પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. અગાઉ અમદાવાદમાં પણ કિરણ પટેલ સામે ગુના નોંધાઈ ચૂક્યા છે. કિરણ પટેલ અમદાવાદમાં પૂર્વ DySP સાથે પણ કરોડોની ઠગાઈ કરી ચુક્યો છે.
રાજ્યમાં કમોસમી વરસાદ, આ વિસ્તારોમાં કરા સાથે માવઠું પડ્યું
ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. તેમ છતા રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં બરફના કરા સાથેનો વરસાદ પડી રહ્યો છે. સાયકલોનીક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ રહેશે. જેમાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોમા છુટોછવાયો વરસાદ પડ્યો છે.
જામનગર: મહેસુલ સેવા સદનમાં પીવાના પાણીનો કકડાટ
જામનગર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ અત્યારે ઉનાળો શરુ થતા જ પાણીની સમસ્યા દિવસે-દિવસે જોવા મળી રહી છે. ત્યારે સંદેશ ન્યૂઝ દ્વારા શહેરની મહેસુલ સેવા સદનમાં પીવાના પાણી માટે એક રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પરંતુ આ સેવા સદનમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા ના હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, હોસ્પિટલ તંત્રએ કરી તૈયારી
સુરતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. આ સાથે સીઝનલ ફ્લુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે નવી સિવિલમા ટીબી વિભાગની OPD માં પ્રતિદિન શરદી, ખાંસી સહિત તકલીફ ધરાવતા 2૦૦ જેટલા દર્દીઓ સારવાર અર્થે આવે છે. આવા સંજોગોમાં નવી સિવિલ ખાતે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં સીઝનલ ફુલના દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
ચીનના રાષ્ટ્રપતિ રશિયા જશે, પુટીન-શી જિનપિંગની મુલાકાતથી અમેરિકા ટેન્શનમાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી 20થી 22 માર્ચ દરમિયાન રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયે આ વાતને કન્ફર્મ કરી છે. શી જિનપિંગ અને રશિયાના પ્રેસિડેંટ વ્લાદિમીર પુટિન વચ્ચેની મુલાકાતથી અમેરિકાનું ટેન્શન વધી ગયું છે. અમેરિકને બીક છે કે ચીન આ મુલાકાતના બહાને રશિયાને હથિયારો આપશે. જેનો યુક્રેન સાથેના યુદ્ધમાં ઉપયોગ થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયાએ ભારતને 189 રનનો લક્ષ્યાંક આપ્યો
મુંબઈમાં રમાઈ રહેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમીએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ માર્શે સૌથી વધુ 81 રન બનાવ્યા હતા.










