- ટીડીપીના બે સાંસદ બનશે મંત્રી
- રામમોહન નાયડુ બનસે કેબિનેટ મંત્રી
- ચંદ્રશેખર પેમ્માસાની પણ બનશે મંત્રી
મોદી સરકારમાં ટીડીપી કોટામાંથી બે સાંસદ મંત્રી બનશે. ટીડીપી તરફથી બંને સાંસદોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે. રામ મોહન નાયડુ કિંજરાપુ આજે કેબિનેટ મંત્રી અને ચંદ્રશેખર પેમ્માસાની રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લેશેઆંધ્રપ્રદેશની શ્રીકાકુલમ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટાયેલા રામ મોહન નાયડુ (36) અત્યાર સુધીના સૌથી યુવા કેબિનેટ મંત્રી હશે ત્યારે આવો જાણીએ તેમના વિશે વિગતવાર
કોણ છે રામ મોહન?
રામ મોહન નાયડુનો જન્મ 18 ડિસેમ્બર, 1987ના રોજ નિમ્માડામાં થયો હતો. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ટીડીપી નેતા યેરાન નાયડુના પુત્ર છે. તેમને લોકસેવા અને રાજકારણ વારસામાં મળ્યું છે. શિક્ષણ વિશે વાત કરીએ તો, રામ મોહને તેમનો પ્રારંભિક અભ્યાસ આરકે પુરમની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી કર્યો હતો. તે પછી તેણે અમેરિકાની પરડ્યુ યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું. આ પછી તેણે લોંગ આઈલેન્ડથી MBA કર્યું.
પિતાનું 2012માં થયું મોત
2012 માં જ્યારે તેના પિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારે તેમણે સિંગાપોરમાં કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી. આ પછી તેઓ રાજકારણમાં આવ્યા અને 2014માં 26 વર્ષની ઉંમરે તેઓ શ્રીકાકુલમથી પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા અને 16મી લોકસભામાં બીજા સૌથી યુવા સાંસદ બન્યા.
રામ મોહન ચંદ્રબાબુની નજીક
રામ મોહન નાયડુ ચંદ્રબાબુ નાયડુના નજીકના માનવામાં આવે છે. તેમના પિતા યરન નાયડુની જેમ તેઓ ટીડીપી ચીફના નજીકના ગણાય છે. તે મુશ્કેલ સમયમાં જ્યારે ચંદ્રબાબુ નાયડુની ધરપકડ કરવામાં આવી ત્યારે રામ મોહને TDP ચીફના પુત્ર નારા લોકેશ સાથે દિલ્હીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રામ મોહન લગભગ 9 વર્ષથી દિલ્હીમાં સક્રિય હતા અને અલગ-અલગ પક્ષોમાં સંપર્ક ધરાવતા હોવાથી તેમણે નારા લોકેશ સાથે મળીને TDP ચીફની ધરપકડ સામે મોરચો બનાવ્યો હતો.
2020 માં સંસદ રત્ન એવોર્ડ પ્રાપ્ત થયો
રામ મોહન નાયડુને 2020 માં સંસદ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024માં તેમણે 3.27 હજાર મતોથી પોતાની સીટ જીતી છે. તેઓ સંસદની ઘણી સમિતિઓના સભ્ય પણ રહી ચૂક્યા છે. જેમાં કૃષિ, પશુપાલન, રેલ્વે, ગૃહ બાબતો, પ્રવાસન અને સંસ્કૃતિ સહિતની ઘણી સમિતિઓનો સમાવેશ થાય છે.
2021માં બજેટ સત્ર દરમિયાન પેટરનિટી લીવ લીધી હતી
રામ મોહને 2017 માં શ્રી શ્રવ્યા સાથે લગ્ન કર્યા હતા, તેમને એક પુત્રી છે.. તે માત્ર એક પારિવારિક માણસ નથી પરંતુ રાજકારણમાં સ્ટીરિયોટાઇપ્સને તોડવાનો પ્રયાસ પણ કરે છે. તેમની પત્નીની ગર્ભાવસ્થા માટે 2021 ના બજેટ સત્ર દરમિયાન પેટરનિટી લિવ લીધી હતી. તેમના નિર્ણયથી લૈગિંક અધિકારો અને શિક્ષણ પર તંદુરસ્ત ચર્ચા થઈ હતી. તે સંસદમાં માસિક સ્વાસ્થ્ય શિક્ષણ અને લૈંગિક શિક્ષણની હિમાયત કરનાર પ્રથમ સાંસદોમાંના એક છે . સેનિટરી પેડ્સ પર GST નાબૂદ કરવા માટે સક્રિયપણે ઝુંબેશ ચલાવી છે.
પિતાનો રેકોર્ડ તોડવા તૈયાર રામ મોહન
રામ મોહન નાયડુ તેમના પિતા યરન નાયડુના પગલે ચાલે છે, જેઓ 1996માં સૌથી યુવા કેબિનેટ મંત્રી હતા. હવે 2024 માં રામ મોહન જાહેર સેવાના વારસાને ચાલુ રાખીને, NDA ગઠબંધનમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી બનીને તેમના પિતાનો રેકોર્ડ તોડવા માટે તૈયાર છે.