- લસણ કેઇ શ્રેણીમાં આવે શાકભાજી કે મસાલો
- વર્ષ 2016થી ચાલી રહ્યો હતો કેસ
- લસણને કઇ શ્રેણીમાં મુકાય તેને લઇને નિર્ણય
ભોજનમાં સ્વાદ અને ટેસ્ટ વધારવાનું કામ કરતુ એક ખાસ ઘટક એટલે લસણ. આપણે તેનો ઉપયોગ શાક, દાળ વગેરેમાં કરીએ છીએ. પરંતુ શું તમને એવો કદી સવાલ થયો કે લસણ શાકભાજી કહેવાય કે પછી મસાલો ? આ સવાલનો જવાબ મેળવવા છેલ્લા 9 વર્ષથી મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ત્યારે હવે જઇને આ મામલે મધ્ય પ્રદેશ હાઇકોર્ટની ઇન્દોર બેંચે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો.
2015માં આપ્યો હતો નિર્ણય
એક ખેડૂત સંગઠનની વિનંતી પર મધ્યપ્રદેશ મંડી બોર્ડે 2015માં લસણને શાકભાજીની શ્રેણીમાં સામેલ કર્યુ હતું. જો કે, તેના પછી તરત જ, કૃષિ વિભાગે તે આદેશને રદ કર્યો અને કૃષિ ઉત્પાદન બજાર સમિતિ અધિનિયમ (1972) ને ટાંકીને તેને મસાલાની શ્રેણીમાં મૂક્યુ હતું. હવે મધ્યપ્રદેશ હાઈકોર્ટે ફરીથી લસણને શાકભાજીની શ્રેણીમાં મૂક્યું છે. જસ્ટિસ એસએ ધર્માધિકારી અને ડી વેંકટરામનની ડિવિઝન બેન્ચે 2017ના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં લસણ નાશવંત છે અને તેથી તે શાકભાજી છે તેમ જણાવ્યું છે.
લસણને કઇ શ્રેણીમાં વેચી શકાય ?
કોર્ટે નિર્ણયમાં એમ પણ કહ્યું કે લસણ શાકભાજી અને મસાલા બજાર બંનેમાં વેચી શકાય છે. તેનાથી વેપાર પરના નિયંત્રણો દૂર થશે અને ખેડૂતો અને વિક્રેતા બંનેને ફાયદો થશે. કોર્ટના આ નિર્ણયથી મધ્યપ્રદેશના હજારો કમિશન એજન્ટોને પણ અસર થશે.
9 વર્ષથી પેન્ડિંગ હતો કેસ
મહત્વનું છે કે આ મામલો વર્ષોથી હાઈકોર્ટમાં પેન્ડિંગ હતો. સૌપ્રથમ તો બટાટા-ડુંગળી-લસણ કમિશન એજન્ટ એસોસિએશન 2016માં પ્રિન્સિપલ સેક્રેટરીના આદેશ વિરુદ્ધ ઈન્દોર બેંચ પહોંચી હતી. આ પછી ફેબ્રુઆરી 2017માં સિંગલ જજે તેની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ આ નિર્ણયથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમણે દલીલ કરી હતી કે આ નિર્ણયથી ખેડૂતોને નહીં પરંતુ કમિશન એજન્ટોને ફાયદો થશે.
માર્ચમાં ફરીથી ઉઠી આ માગ
કોર્ટના નિર્ણય બાદ અરજદાર મુકેશ સોમાણીએ જુલાઈ 2017માં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજી હાઈકોર્ટની ડબલ જજની બેંચમાં ગઈ હતી. આ બેન્ચે જાન્યુઆરી 2024માં ફરીથી લસણને મસાલાની શ્રેણીમાં મોકલ્યું. ચુકાદો આપતી વખતે હાઈકોર્ટે કહ્યું કે અગાઉના નિર્ણયથી માત્ર વેપારીઓને જ ફાયદો થશે ખેડૂતોને નહીં. આ પછી, લસણના વેપારીઓ અને કમિશન એજન્ટોએ આ વર્ષે માર્ચમાં તે આદેશની સમીક્ષાની માંગ કરી હતી. આ મામલો જસ્ટિસ ધર્માધિકારી અને વેંકટરામનની બેન્ચ સમક્ષ આવ્યો હતો.