- મુંબઇમાં વરસાદનો સિલસિલો યથાવત
- આગામી બે દિવસ યલો એલર્ટ જાહેર
- મધ્યમથી ભારે વરસાદની આગાહી
મુંબઇમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે વધુ એકવાર વરસાદને લઇને એલર્ટ જાહેર કર્યું છે. જેમાં ,27 અને 28 જુલાઇ એમ બે દિવસ મુંબઇમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. મહત્વનું છે કે ગુરુવારે મુંબઇમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. પશ્ચિમ ઉપનગરોમાં સરેરાશ 92 મીમી, મુંબઈમાં 81 મીમી અને પૂર્વ ઉપનગરોમાં 80 મીમી વરસાદ નોંધાયો હતો.
અહીં ભારે વરસાદની આગાહી
હવામાન અધિકારીઓનું કહેવું છે કે સપ્તાહના અંતે વરસાદ ચાલુ રહેશે. IMDના અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ભારે અને મધ્યમ વરસાદ જોવા મળશે. પરિણામે મુંબઈ તેમજ પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. થાણે અને રત્નાગીરી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે હવામાન વિભાગ તરફથી માહિતી મળી રહી છે કે મુંબઈના લોકોને વરસાદથી રાહત મળવાની નથી.
આર્મી જોડાઇ રેસક્યુ ઓપરેશનમાં
મહત્વનું છે કે મુંબઇ,પુણે સહિતના વિવિધ જગ્યાએ વરસાદ ધોધમાર વરસ્યો છે. ગુરુવારે તો એવો ધમાકેદાર વરસાદ વરસ્યો કે સેનાએ બચાવકાર્યમાં જોડાવવુ પડ્યુ. પુણે શહેર અને બાકીના જિલ્લા પૂરના પાણીમાં ડૂબી ગયા. ફસાયેલા લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું. તથા શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી . રેસક્યુ ટીમમાંશહેરની ફાયર બ્રિગેડ, પોલીસ, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો અને અન્ય એજન્સીઓને વિવિધ વિસ્તારમાં બચાવ કામગીરી માટે મોકલવામાં આવી હતી.