- BMW કાર શિવસેનાના નેતા પુત્ર ચલાવતો હોવાનું સામે આવ્યું
- અકસ્માતમાં સ્કૂટી સવાર એક મહિલાનું મોત, એક ઈજાગ્રસ્ત
- મહારાષ્ટ્રમાં હિન એન્ડ રનની ઘટનાનો સિલસિલો યથાવત
મુંબઈના વર્લી વિસ્તારમાં એટ્રિયા મોલ પાસે રવિવારે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વર્લીના કોલીવાડામાં રહેતા માછીમાર પતિ-પત્ની પ્રદીપ નાખ્વા અને કાવેરી નાખ્વા માછલીઓ લેવા માટે સસૂન ડોક ગયા હતા. ત્યાથી પરત ફરતી વખતે માછલીઓથી ભરેલી તેની સ્કૂટીને પાછળથી BMW કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત કાવેરીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેના પતિ પ્રદીપને ગંભીર ઈજાઓ થઈ હતી. હાલ પ્રદીપને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
શિવસેનાના નેતાનો પુત્ર ચલાવતો હતો કાર
વર્લી પોલીસના જણાવ્યા અનુસાર સ્કૂટી પર સવાર દંપતીને પાછળથી ટક્કર મારનાર BMW કારને મિહિર શાહ નામનો યુવક ચલાવી રહ્યો હતો. તેમના પિતા રાજેશ શાહ પાલઘર જિલ્લામાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાના પદાઅધિકારી છે. મિહિરની બાજુની સીટ પર બીજો એક વ્યક્તિ બેઠો હતો, જે કદાચ તેનો ડ્રાઈવર હતો. અકસ્માત બાદ મિહિર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે રાજેશ શાહને કસ્ટડીમાં લીધો છે. સ્કૂટીને ટક્કર મારનારી BMW કાર તેના નામે રજિસ્ટર હતી.
BMW કાર ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી ફરાર
અકસ્માત સ્થળ પરથી જે તસવીરો સામે આવી છે તેમાં અકસ્માત સર્જનાર સફેદ રંગની BMW કારના આગળના ભાગ પર ડેન્ટના નિશાન જોઈ શકાય છે, જ્યારે સ્કૂટી પાછળના ભાગથી ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત જોવા મળે છે. વર્લી પોલીસના જણાવ્યા અનુસાર શિવસેનાના નેતા રાજેશ શાહનો પુત્ર મિહિર વધુ ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તેણે પાછળથી સ્કૂટી સવાર માછીમાર દંપતીને ટક્કર મારી હતી. પતિ તરત જ સ્કૂટી પરથી કૂદી પડ્યો હતો, પરંતુ કાવેરી કૂદી ન શકી અને કારના બોનેટ સાથે અથડાઈ હતી. પોલીસની સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અકસ્માત બાદ આરોપીએ કાર રોકી ન હતી અને કાવેરી લગભગ 100 મીટર સુધી બોનેટ પર લટકતી રહી અને પછી રસ્તા પર પડી ગઈ.
મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ કડક કાર્યવાહીની આપી ખાતરી
આ અકસ્માતમાં પ્રદીપ અને કાવેરી બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેઓને નજીકની નાયર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી હતી અને તેના પતિ પ્રદીપની સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં સંડોવાયેલી BMWને પોલીસે જપ્ત કરી લીધી છે. જોકે કારની નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે, મુંબઈમાં જે હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે તે ખૂબ જ દુઃખદ છે. મેં પોલીસ સાથે વાતચીત કરી છે. આ ઘટનામાં સામેલ જે પણ હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં આવશે નહીં. એકનાથ શિંદેએ વધુમાં કહ્યું કે, કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદા સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે.
અગાઉ પોર્શ કાર ચાલક સગીરે બે લોકોને લીધા હતા અડફેટે
થોડા દિવસો પહેલા પુણેમાં એક સગીરે તેની પોર્શ કાર સાથે બાઇક સવાર છોકરા અને છોકરીને ટક્કર મારી હતી. જેમાં બન્નેના મોત થયા હતા. છોકરો અને છોકરી પૂણેની એક IT કંપનીમાં નોકરી કરતા હતા. આ ઉપરાંત 29 જૂને સવારે અંધેરી ઈસ્ટ ફ્લાયઓવર પર પણ અકસ્માત સર્જાયો હતો. BMSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિવેક યાદવ અને અમન યાદવ અંધેરીના ફ્લાયઓવર પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગુંદવાલી મેટ્રો સ્ટેશન પાસે પૂરઝડપે આવતી પીકઅપે બન્ને વિદ્યાર્થીઓને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં વિવેક ફ્લાયઓવર પરથી નીચે ખાબકતા તેનું મોત નીપજ્યું હતું, જ્યારે અમન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે આરોપી પીકઅપ ડ્રાઈવરની પરેલથી ધરપકડ કરી હતી.