અમેરિકામાં જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે પ્રચાર-પ્રસાર કરતા સમયે ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત પર પ્રહાર કર્યા હતા. અને કહ્યુ હતુ કે, 'ભારત અમેરિકા પાસેથી બધી વસ્તુઓ લે છે પણ આપતું કંઇ જ નથી.' અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિતના તે દેશો સામે ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. જે અમેરિકન ઉત્પાદનો પર ઊંચી આયાત ડ્યુટી લાદે છે.
ડૉનાલ્ડ ટ્રમ્પની નિવેદનબાજી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે ભારત સામે 25 ટકા સુધી ટેરિફ લાદવાની પણ જાહેરાત કરી છે. જોકે, બાદમાં તેમણે પોતે કહ્યું હતું કે આ મુદ્દા પર વાતચીત થશે. ટ્રમ્પે કહ્યું છે કે આ અંગે વાતચીત ચાલુ રહેશે. અમેરિકાની જાહેરાત બાદ ભારતે નિવેદન જાહેર કર્યુ છે. ભારતમાં વિરોધી પક્ષોએ પણ વધારાના ટેરિફ અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. આ સ્થિતિમાં પીએમ મોદીએ મૌન સેવ્યુ છે. ટ્રમ્પે 'ઓપરેશન સિંદૂર'ના મુદ્દા પર ઘણી વખત આવા જ નિવેદનો આપ્યા હતા. તેઓએ સતત નિવેદનબાજી કરી રહ્યા હતા કે, ભારત-પાકિસ્તાન વચ્ચેનો યુદ્ધવિરામ તેમના હસ્તક્ષેપના કારણે જ થયો છે.
પીએમ મોદીએ રાખ્યો સંયમ
પીએમ મોદી હમેંશા સંયમનો આશરો લે છે. પીએમ મોદીનું આ વલણ દર્શાવે છે કે ટ્રમ્પની ટિપ્પણીઓને ગંભીરતાથી લેવાને બદલે, તેઓ 'મોટો દેશ, મોટો વિચાર' ની નીતિનું પાલન કરી રહ્યા છે. ટ્રમ્પે વેપાર ટેરિફ અંગે ભારત પર નિશાન સાધ્યું હતું. પરંતુ પીએમ મોદીએ જાહેરમાં નિવેદન આપવાના સ્થાને સંયમ રાખ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે વધારાના ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ પણ મૌન દ્વારા અમેરિકાના આ પગલાનો જવાબ આપ્યો. તે જ સમયે, ટ્રમ્પ પોતાનું વલણ બદલતા રહ્યા. એ જ સ્વભાવ દર્શાવતા, આ વખતે પણ ટ્રમ્પ પોતાની જાહેરાતથી પાછળ હટી ગયા અને કહ્યું કે તેઓ આ મુદ્દા પર ભારત સાથે વાત કરશે.
ટ્રમ્પના ભારત પર પ્રહાર
ડોનાલ્ડ ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળ દરમિયાન ટેરિફ અને આયાત કર અંગે સતત ભારતની ટીકા કરતા રહ્યા છે. ટ્રમ્પે ઘણી વખત કહ્યું છે કે ભારત એક એવો દેશ છે જે અમેરિકન ઉત્પાદનો પર વધુ પડતો કર લાદે છે. તેમણે ઘણીવાર હાર્લી ડેવિડસન બાઇકનું ઉદાહરણ આપીને ભારત પર હુમલો કર્યો છે. બીજી તરફ, પીએમ મોદી દ્વારા કોઈપણ પ્રકારનું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેના બદલે તેઓ દ્વિપક્ષીય વેપાર વધારવાના માર્ગો વિશે વાત કરતા રહ્યા છે.