કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 8th સેન્ટ્રલ પે કમિશનની રચના કરવામાં આવી છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે વર્તમાન પગાર માળખું, ભથ્થાં, પેન્શન અને પ્રોત્સાહન સહિતના મુદ્દાઓની સમીક્ષા કરશે. છેલ્લી વખત પગાર માળખામાં ફેરફાર 1 જાન્યુઆરી 2016થી અમલમાં આવ્યો હતો, જેને હવે લગભગ 10 વર્ષ થઈ ગયા છે.
2016માં પગાર વધારો કરાયો હતો
આ સંદર્ભમાં National Federation of Indian Railwaymen (NFIR)એ કેન્દ્રીય કર્મચારીઓ માટે ન્યૂનતમ પગાર વધારીને અંદાજે રૂપિયા 60,000 પ્રતિ મહિના કરવાની માગ કરી છે. સંઘના જણાવ્યા મુજબ જીવન ખર્ચમાં વધારાને ધ્યાનમાં રાખીને અગાઉ લાગુ કરાયેલા ગુણાંક 2.57ને વધારીને ઓછામાં ઓછો 3.5 કરવાનો વિચાર કરવો જોઈએ. આ મુજબ 2016માં નક્કી કરાયેલા રૂપિયા 18,000ના ન્યૂનતમ પગારને 3.5 ગુણાંકથી ગણવામાં આવે તો તે લગભગ રૂપિયા 60,000 થાય છે.
ભારતીય રેલવેના કર્મચારીઓની પરિસ્થિતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો
સંઘે જણાવ્યું છે કે કર્મચારીના પરિવારના એકમમાં કર્મચારી પોતે, જીવનસાથી, બે સંતાનો અને માતા-પિતા સામેલ હોય છે. વધતી મોંઘવારી અને જીવન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય પગાર માળખું જરૂરી છે. ખાસ કરીને ભારતીય રેલવેના કર્મચારીઓની પરિસ્થિતિ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મોટાભાગના રેલવે કર્મચારીઓ દુરસ્ત વિસ્તારો, જંગલ અથવા ટનલ જેવા કઠિન વિસ્તારોમાં સતત સેવા આપે છે. આવા પરિસ્થિતિમાં તેમની કામગીરીને ધ્યાનમાં રાખીને યોગ્ય ભથ્થાં અને પ્રોત્સાહનો નક્કી કરવાની માગ કરવામાં આવી છે.
તે ઉપરાંત 2004થી બંધ થયેલી જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માગ પણ કરવામાં આવી છે. NFIRનું માનવું છે કે 2026થી પેન્શનરોને પણ સુધારેલા પગાર માળખા અનુસાર સમાન પેન્શન લાભ આપવામાં આવવો જોઈએ.
આ પણ વાંચો : Iran-Isral War : એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે 3 વખત કરી ચર્ચા, દરિયાઈ સુરક્ષા મુદ્દે થઈ વાતચીત: MEA