બિહારના બક્સર જિલ્લામાંથી ચોરીની એવી ઘટના સામે આવી છે, જેને સાંભળીને પોલીસ અધિકારીઓથી લઈને સામાન્ય લોકો સુધી દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. સામાન્ય રીતે ચોરીના બનાવોમાં ઘર,દુકાન, વાહન અથવા કિંમતી સામાનને નિશાન બનાવવામાં આવે છે, પરંતુ આ વખતે ચોરોએ જે કર્યું છે તે અસામાન્ય અને ચોંકાવનારું છે. બક્સર જિલ્લાના ડુમરાંવ વિસ્તારમાં આવેલો આશરે 132 ફૂટ ઊંચો મોબાઇલ ટાવર જ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.
ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને જનરેટર પણ ગાયબ
માહિતી મુજબ,આ ટાવર ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલી GTL કંપનીનો હતો અને લાંબા સમયથી ઉપયોગમાં નહોતો. જોકે તાજેતરમાં કંપનીના અધિકારીઓ જ્યારે સ્થળની તપાસ અને સંભવિત રિપેરિંગ માટે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે જ્યાં ટાવર ઊભો હતો ત્યાં હવે માત્ર ખાલી જગ્યા જ બાકી રહી છે. ટાવર ઉપરાંત તેની સાથે જોડાયેલા કેબલ, એન્ટેના, ઇલેક્ટ્રિકલ ઉપકરણો અને જનરેટર સેટ પણ ગાયબ હતા.
ટલાય દિવસ સુધી ચાલ્યું હોવાની આશંકા
આ ઘટનાનું સૌથી આશ્ચર્યજનક પાસું એ છે કે 132 ફૂટ જેટલું ઊંચું માળખું એક જ દિવસમાં ગાયબ થઈ શકે તેમ નથી. પ્રાથમિક અંદાજ મુજબ ચોરોએ ટાવરને તબક્કાવાર ખોલીને તેના ભાગો અલગ કર્યા અને પછી તેને સ્ક્રેપ અથવા અન્ય માધ્યમથી ખસેડી દીધો હોઈ શકે છે. સ્થાનિક લોકોનું માનવું છે કે આ કામગીરી માટે દિવસો નહીં તો અઠવાડિયાઓ લાગ્યા હશે. વિસ્તારના રહેવાસીઓ પણ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે આટલી મોટી કામગીરી દરમિયાન કોઈને શંકા કેમ ન આવી. ઘણી વખત આવી ચોરીઓમાં આરોપીઓ પોતાને અધિકૃત કર્મચારી અથવા કોન્ટ્રાક્ટર તરીકે રજૂ કરીને કામ કરે છે, જેના કારણે આસપાસના લોકો તેમને સત્તાવાર કામગીરી માની લેતા હોય છે. જોકે આ કેસમાં હજુ સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ સ્થાનિક લોકો સાથે પૂછપરછ કરી
આ મામલાની જાણકારી મળતા પોલીસ તપાસમાં લાગી ગઈ.આજુબાજુના લોકો સાથે પૂછપરછ થઈ રહી છે અને એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી કરીને લઈ ગયા. હાલમાં આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે અને લોકો તેને બિહારની સૌથી અનોખી ચોરીની ઘટનામાંથી એક ગણાવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ ઘટના બક્સર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલ ઉઠાવી રહી છે. જ્યાં 132 ફુટ ઊંચો ટાવર ચોરી થવી સામાન્ય ઘટના નથી. પોલીસ હવે સીસીટીવી ફુટેજના આધારે શંકાસ્પદ લોકોની ઓળખ કરી રહી છે. વળી સ્થાનિક લોકો હવે આ ઘટનાને લઈ ડરી ગયા છે. જો ચોર આટલો મોટો ટાવર ચોરી કરી શકે છે તો નાની મોટી ચોરી તો તેમના માટે મામૂલી છે. આ ઘટના બિહારમાં એક અનોખો કાંડ બનીને ઊભરી આવી છે. જેની ચર્ચા હવે આખા રાજ્યમાં થઈ રહી છે કે આખરે આટલો મોટો ટાવર કેવી રીતે ચોરી થઈ ગયો
કંપનીને ચાર નોટિસ મોકલી
તેમના મતે, કરાર 2022 માં સમાપ્ત થઈ ગયો. આ પછી, તેમને કંપની તરફથી કોઈ ચુકવણી મળી નહીં. તેમણે કંપનીને ચાર નોટિસ પણ મોકલી પરંતુ કોઈએ સાંભળ્યું નહીં. હરેનાથ યાદવ કહે છે કે તેમને હવે ખબર પડી છે કે ટાવર અને તેના તમામ સાધનો ચોરાઈ ગયા છે. તેમણે આ ઘટના પર આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું.
સ્થાનિક લોકો પણ ચોંકી ગયા છે, પોલીસ તપાસ કરી રહી છે.
સ્થાનિકોના મતે, તે સ્થળે લગભગ 15 વર્ષથી એક મોબાઇલ ટાવર સ્થાપિત હતો. થોડા દિવસો પહેલા, લોકોએ જોયું કે ટાવર ગાયબ છે, પરંતુ કોઈએ વધુ ધ્યાન આપ્યું નહીં. હવે ચોરીની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે સમગ્ર વિસ્તારમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આટલો મોટો ટાવર ચોરી કરનારા લોકો પર કોઈએ કેમ ધ્યાન આપ્યું નહીં. બક્સરના પોલીસ અધિક્ષક શુભમ આર્યએ જણાવ્યું હતું કે આ અંગે લગભગ દસ દિવસ પહેલા ફરિયાદ મળી હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે અને જમીનમાલિક અને અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરશે.
આ પણ વાંચો - Air Force Aircraft Crash: 22 વખત ક્રેશ છતાં AN-32 વાયુસેના માટે કેમ ખાસ? જાણો કિંમત