અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ-ઇન-કમાન્ડ સ્વર્ગસ્થ કેપ્ટન સુમિત સભરવાલના પિતા પુષ્કર સભરવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર શુક્રવારે(આજે) સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે કેપ્ટનના પિતા પ્રત્યે ઊંડી સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેમને લાગણીસભર ટકોર કરી હતી.
સુપ્રીમ કોર્ટે સંવેદના વ્યક્ત કરી
જસ્ટિસ સૂર્યકાંત અને જોયમલ્યા બાગચીની બેન્ચે અરજીની સુનાવણી દરમિયાન અવલોકન કર્યું હતું કે આ દુર્ઘટના બની તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ તમારે એ બોજ ઉઠાવવો જોઈએ નહીં કે તમારો પુત્ર તેના માટે જવાબદાર છે. દેશમાં કોઈ એવું માનતું નથી કે તે પાઇલટની ભૂલ હતી. ન્યાયાધીશ બાગચીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે પાયલટ સામે હજુ સુધી કોઈ આરોપ નથી. તપાસ રિપોર્ટમાં ફક્ત બે પાયલટ વચ્ચેની વાતચીત રેકોર્ડ કરવામાં આવી છે. તે કોઈને દોષી ઠેરવતો નથી.
અરજીમાં નવી તપાસની માંગ
પુષ્કર સભરવાલે પોતાની અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ ક્રેશની સ્વતંત્ર અને તકનીકી રીતે યોગ્ય તપાસની માંગ કરી છે. તેમના વકીલ ગોપાલ શંકરનારાયણન દ્વારા દલીલ કરવામાં આવી હતી કે વિમાન તપાસ નિયમોના નિયમ 9 હેઠળ માત્ર પ્રારંભિક તપાસ થઈ છે. જ્યારે નિયમ 11 હેઠળ સંપૂર્ણ તપાસ જરૂરી છે. વકીલે એક વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં અનામી ભારતીય સ્ત્રોતો દ્વારા પાઇલટની ભૂલ સૂચવવામાં આવી હતી. આના પર ન્યાયાધીશ બાગચીએ કહ્યું હતું કે તો પછી તમારો કેસ વોલ સ્ટ્રીટ જર્નલ વિરુદ્ધ હોવો જોઈએ.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને DGCAને ફટકારી નોટિસ
કોર્ટે અંતે કેન્દ્ર સરકાર, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) અને અન્ય સંબંધિત અધિકારીઓ પાસેથી આ અરજી પર જવાબ માંગતી નોટિસ ફટકારી છે. કોર્ટે પુનરોચ્ચાર કર્યો કે દુર્ઘટનાનું કારણ ગમે તે હોય પાઇલટ કારણભૂત નથી. આ કેસની આગામી સુનાવણી 10 નવેમ્બરના રોજ થશે.