અમદાવાદમાં એરઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં 265થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાથ ધરવામાં આવેલ સર્ચ ઓપરેશનમાં વિમાનમાં રાખવામાં આવતું બ્લેક બોક્સ મળી આવ્યું હતું. આ બ્લેક બોક્સની ચકાસણી બાદ અકસ્માત થવાની સાચી હકીકત સામે આવશે. દરમિયાન એવા સમાચાર સામે આવ્યા હતા કે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 ના બ્લેક બોક્સની અમેરિકામાં ચકાસણી કરવામાં આવશે. ત્યારે હાલમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આ બાબતનું ખંડન કરવામાં આવ્યું છે.
બ્લેક બોક્સની દિલ્હીમાં જ તપાસ થશે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171ના બ્લેક બોક્સની તપાસ અમેરિકામાં નહી દિલ્હીમાં જ થશે. મંત્રાલય દ્વારા એરઇન્ડિયાAI-171ની ફલાટના બ્લેક બોક્સને અમેરિકા મોકલવાની બાબતોને ખોટી અને ભ્રામક ગણાવવામાં આવી. આ સાથે મંત્રાલય દ્વારા અપીલ પણ કરવામાં આવી કે આ દુઃખદ દુર્ઘટના છે. આ દુર્ઘટનાને લઈને તપાસ પ્રક્રિયા પણ ચાલી રહી છે ત્યારે તેની સાથે સંકળાયેલ બાબતો પર મનઘડત રીતે અનુમાન ના લગાવવામાં આવે. બ્લેક બોક્સની તપાસ ક્યાં અને કેવી રીતે કરવી તેનો નિર્ણય વિમાન અકસ્માતોની તપાસ કરતી એજન્સી AAIB કરશે.
અફવાઓ પર ધ્યાન ના આપવા કરી અપીલ
વધુમાં મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે અકસ્માતની ઘટનાની તપાસને ગંભીરતાથી અને વ્યાવસાયિક રીતે પૂર્ણ થવા દો. અમેરિકા સક્ષમ દેશ છે પરંતુ ભારતમાં પણ યોગ્ય તકનીકી સુવિધા પણ છે. નવી દિલ્હીમાં ઉડાન ભવનમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા ₹ 9 કરોડના ખર્ચે બનેલ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) કેમ્પસમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર (DFDR) અને કોકપિટ વોઇસ રેકોર્ડર (CVR) વિશ્લેષણ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમેરિકા જશે બ્લેક બોક્સ
અગાઉ એવી અફવા હતી કે બ્લેકબોક્સને અમેરિકાની એનડીએસબીની પ્રયોગશાળામાં વિશ્લેષણ કરવા માટે લઇ જવાશે. જયાં ભારતીય અધિકારીઓની હાજરીમાં જ તપાસ કરવામાં આવશે. જેથી તપાસમાં પારદર્શિતા જળવાય. તમામ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું પણ પાલન થાય. આ તપાસ પ્રક્રિયામાં બ્રિટનની એર એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્રાંચના અધિકારીઓ પણ હાજર રહેશે કારણ કે આ ઘટનામાં બ્રિટિશ નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે.