દેશમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણ ખતમ થયા બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ધ્યાન ગેરકાયદેસર ઘુસણખોરી રોકવા પર કેન્દ્રિત થયું છે. આંતરિક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ઘુસણખોરીના સંપૂર્ણ ઉન્મૂલન માટે પણ નક્સલવાદની જેમ નિશ્ચિત સમયમર્યાદા જાહેર કરી શકે છે.
તમામ રાજ્યો અને સુરક્ષા એજન્સીઓ સાથે સંકલન
અમિત શાહે અગાઉ નક્સલવાદના ખતમ માટે 31 માર્ચ 2026ની ડેડલાઈન નક્કી કરી હતી અને ત્યારબાદ સંસદમાં જણાવ્યું હતું કે દેશમાં નક્સલવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે. માહિતી મુજબ, દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારા અને રહેતા લોકોની ઓળખ કરી તેમને પરત મોકલવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સરકારનું માનવું છે કે નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવાથી તમામ રાજ્યો અને સુરક્ષા એજન્સીઓ સંકલન સાથે મિશન મોડમાં કામગીરી કરી શકશે.
સરકાર 'ઝીરો ઈન્ફિલ્ટ્રેશન' નીતિ પર કામ કરી રહી છે
આ અભિયાન અંતર્ગત ‘ડિટેક્ટ, ડિટેન અને ડિપોર્ટ’ની ત્રણ તબક્કાની વ્યૂહરચના અમલમાં મૂકવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં ગુજરાત, રાજસ્થાન અને ત્રિપુરાની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને તેઓ પશ્ચિમ બંગાળની પણ મુલાકાત લેશે. કેન્દ્ર સરકાર ઘુસણખોરી રોકવા માટે 'ઝીરો ઈન્ફિલ્ટ્રેશન' નીતિ પર કામ કરી રહી છે અને આ માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.
બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગનું કામ પણ મિશન મોડમાં આગળ વધ્યું
સરકારે આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિલોમીટર વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર બાંધકામો અને અતિક્રમણોની ઓળખ કરીને તેમને દૂર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. સરહદી વિસ્તારોમાં થતા વસ્તીગત ફેરફારોની તપાસ માટે રચાયેલ ઉચ્ચસ્તરીય ડેમોગ્રાફી મિશને પણ કાર્ય શરૂ કરી દીધું છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી સરહદોને ઘુસણખોરીમુક્ત બનાવવા માટે થર્મલ કેમેરા, સેન્સર, રડાર અને ડ્રોન જેવી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
બાંગ્લાદેશ સરહદ પર ફેન્સિંગનું કામ પણ મિશન મોડમાં આગળ વધી રહ્યું છે. અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર ઘુસણખોરોને કોઈપણ સંજોગોમાં દેશમાં રહેવા દેવામાં આવશે નહીં અને તેમને બહાર મોકલવામાં આવશે. સરકારને ડિજિટલ જનગણનાના ડેટાથી પણ આવા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે.
આ પણ વાંચો : Maharashtra : 4 મહિનામાં NDPSના 1,142 કેસ નોંધાયા, 1,626 આરોપીની કરાઈ ધરપકડ