મહારાષ્ટ્રમાં માદક પદાર્થોની તસ્કરી સામે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન હેઠળ જાન્યુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન એનડીપીએસ અધિનિયમ સંબંધિત કુલ 1,142 ગુનાઓ નોંધાયા છે. આ કેસોમાં 1,626 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે 254.53 કરોડ રૂપિયાના માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
નશીલા પદાર્થોના સેવન સાથે સંબંધિત 3,199 કેસ પણ નોંધાયા
આ ઉપરાંત, આ જ સમયગાળા દરમિયાન નશીલા પદાર્થોના સેવન સાથે સંબંધિત 3,199 કેસ પણ નોંધાયા હોવાનું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રાજ્યમાં માદક પદાર્થોના ગેરકાયદે વેપાર અને નશાખોરી સામે વ્યાપક સ્તરે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેના માટે વિશેષ અભિયાન અમલમાં મૂકવામાં આવ્યું છે.
4,000 કિલોગ્રામ એમડી ડ્રગ્સના નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો
મુખ્યમંત્રીએ જણાવ્યું કે માદક પદાર્થોના નેટવર્કની મૂળ સુધી પહોંચવા અને તેમાં સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત વિદેશમાં છુપાયેલા ડ્રગ્સ તસ્કર સલીમ ડોલાને ભારત લાવવામાં આવ્યો છે. ફડણવીસના જણાવ્યા મુજબ સલીમ ડોલા દ્વારા દેશભરમાં ફેલાયેલા અંદાજે 4,000 કિલોગ્રામ એમડી ડ્રગ્સના નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો છે અને મોટી માત્રામાં માદક પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.
એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડની સ્થાપના કરવામાં આવી
તેમણે વધુમાં જણાવ્યું કે માદક પદાર્થો વિરુદ્ધની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એન્ટી-નાર્કોટિક્સ સ્ક્વોડની સ્થાપના કરવામાં આવી રહી છે. આ વિશેષ દળોમાં કુશળ અને અનુભવી અધિકારીઓની નિમણૂક કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફડણવીસે કહ્યું કે આવા અધિકારીઓને વિશેષ સુવિધાઓ અને પ્રોત્સાહનો આપવામાં આવશે. ઉપરાંત, આ વિભાગમાં ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓને તેમની પસંદગી મુજબ આગામી નિમણૂક આપવાની શક્યતા પર પણ સરકાર વિચારણા કરી રહી છે. રાજ્ય સરકારના આ અભિયાનથી માદક પદાર્થોની તસ્કરી અને નશાખોરી પર અસરકારક નિયંત્રણ મેળવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : BRICS NSA Meet: મુશ્કેલીના સમયમાં બ્રિક્સની ભૂમિકા મહત્વની..NSA ડોભાલે બેઠકમાં શું કહ્યું ?