દેશના જાણીતા સામાજિક કાર્યકર્તા અને પૂર્વ સૈનિક અણ્ણા હઝારેને તેમના 90મા જન્મદિવસે સંરક્ષણ મંત્રાલય તરફથી દેશની સૌથી અનોખી અને ઐતિહાસિક ભેટ મળી છે. ભારતીય સેનામાં ડ્રાઈવર તરીકે પોતાની સેવાઓ આપી ચૂકેલા અણ્ણા હઝારેને સન્માનિત કરવા માટે રક્ષા મંત્રાલયે તેમને 1965 અને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની જીતનો હીરો ગણાતી 'T-55 ભીમ ટેન્ક' ભેટમાં આપી છે. આ પરાક્રમી ટેન્ક હવે અણ્ણા હઝારેના પૈતૃક ગામ રાલેગણ સિદ્ધિ ખાતે લાવી દેવામાં આવી છે.


વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી

જ્યારે આ વિશાળ ટેન્ક 11 જૂનના રોજ ગામમાં પહોંચી અને તેને 'હિંદ સેવા ટ્રસ્ટ'ના મુખ્ય ગેટ પર સ્થાપિત કરવામાં આવી, ત્યારે ગામલોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.

અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા

વર્ષો પહેલા સેનામાં રહીને દેશની રક્ષા કરનારા અણ્ણા હઝારે આ અદભુત સન્માન જોઈને અત્યંત ભાવુક થઈ ગયા હતા. તેમણે પૂરા સૈન્ય સન્માન સાથે આ ટેન્ક પર ફૂલહાર ચડાવીને તેને સેલ્યુટ કર્યું હતું.

અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી

સોવિયત સંઘ (રશિયા) દ્વારા 1950ના દાયકામાં બનેલી અને ભારતે 1960માં ખરીદેલી આ ટેન્ક વિશે અણ્ણા હઝારેએ ગર્વથી જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ એ જ ટેન્ક છે જેની ગર્જના સાંભળીને 1971ના યુદ્ધમાં દુશ્મનો મેદાન છોડીને ભાગી ગયા હતા. તે સમયે અણ્ણા હઝારે પોતે પણ સેનાનો ભાગ હતા.

ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે

સેનામાં અણ્ણા હઝારેના યોગદાન અને ત્યારબાદ રાલેગણ સિદ્ધિને દેશનું મોડેલ વિલેજ બનાવીને કરેલી દીર્ઘકાલીન સમાજસેવાની કદર રૂપે આ મોટો નિર્ણય લેવાયો છે. આ ઐતિહાસિક ભીમ ટેન્ક હવે કાયમ માટે આ ગામમાં પ્રેરણાના પ્રતીક તરીકે સચવાઈને રહેશે. અણ્ણા હઝારેએ જણાવ્યું કે, આ ગૌરવ માત્ર તેમનું નથી પરંતુ પૂરા ગામ અને દેશસેવાના મૂલ્યોનું સન્માન છે. 


આ પણ વાંચો----     Gujarat Latest News Live: કોમર્શિયલ જહાજો પર હુમલો અયોગ્ય, જયશંકરે અમેરિકાને ખખડાવ્યું


  • Follow us on: