ઉર્દૂ ગઝલ જગતને એક નવો, સાદો અને સીધો દિલમાં ઉતરી જાય તેવો મિજાજ આપનારા મશહૂર શાયર ડૉ. બશીર બદ્રનું 91 વર્ષની વયે ભોપાલમાં નિધન થયું છે. તેમના અવસાનથી સાહિત્ય જગતમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. પરંતુ, બશીર બદ્ર સાહેબની આ વિદાય વચ્ચે દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જોડાયેલો એક એવો રહસ્યમય અને રસપ્રદ કિસ્સો ફરી વાયરલ થઈ રહ્યો છે, જેણે વર્ષ 2018માં દેશની સંસદથી લઈને સોશિયલ મીડિયા સુધી ભારે સનસનાટી મચાવી દીધી હતી.
મલ્લિકાર્જુન ખડગેએ બશીર બદ્રનો શેર લલકાર્યો
વાત એમ છે કે ફેબ્રુઆરી 2018માં જ્યારે લોકસભામાં રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી હતી, ત્યારે તત્કાલીન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ ભવિષ્યના રાજકીય સંબંધોની શાલીનતાનો હવાલો આપીને બશીર બદ્રનો એક પ્રખ્યાત શેર લલકાર્યો હતો:
"દુશ્મની જમ કર કરો, લેકિન યહ ગુંજાઈશ રહે, જબ કભી હમ દોસ્ત હો જાએં, તો શર્મિંદા ન હોં."
વિપક્ષની દાનત પર પીએમ મોદીનો એ પ્રહાર
ખડગેના આ પ્રહારનો જવાબ આપવા માટે બીજા દિવસે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં ઊભા થયા, ત્યારે તેમણે જે માસ્ટરસ્ટ્રોક માર્યો તે કોઈએ સપનામાં પણ વિચાર્યો નહોતો. પીએમ મોદીએ અત્યંત ધારદાર શૈલીમાં વિપક્ષ પર કટાક્ષ કરતા કહ્યું કે, ખડગેજીએ બશીર બદ્રનો શેર તો વાંચ્યો પરંતુ પોતાની રાજકીય સગવડ મુજબ તેની પછીની સૌથી મહત્વની કડીઓ છુપાવી દીધી ત્યારબાદ પીએમ મોદીએ બશીર બદ્ર સાહેબનો જ એક બીજો શેર એવી રીતે સંભળાવ્યો કે આખી સંસદમાં સન્નાટો છવાઈ ગયા બાદ હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. પીએમ મોદીએ વિપક્ષની દાનત ઉઘાડી પાડતા કહ્યું હતું:
"જી બહુત ચાહતા હૈ સચ બોલેં, ક્યા કરેં હૌસલા નહીં હોતા."
શેર રાતોરાત આખા દેશમાં ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો
વડાપ્રધાનનો આ અંદાજ જોઈને સંસદમાં ટેબલો થપથપાવા લાગ્યા હતા અને બદ્ર સાહેબનો આ શેર રાતોરાત આખા દેશમાં ટ્રેન્ડિંગ ટોપિક બની ગયો હતો. આજે જ્યારે બશીર બદ્ર આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા સંસદમાં જીવંત કરાયેલો શાયરીનો આ ક્લાસિક જંગ રાજકીય ઇતિહાસના સૌથી યાદગાર પ્રકરણ તરીકે ફરી લોકોની જીભે ચડ્યો છે.
આ પણ વાંચો----- Gujarat : ખુરશી મંગલમ્, ગુજરાતના શહેરોમાં નવા પદાધિકારીઓનો 'પહેલો દિવસ, પહેલો શો', વાંચો ખાસ અહેવાલ