વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિને લાલ કિલ્લા પરથી GSTમાં છૂટછાટ આપવા અંગેની મહત્વની જાહેરાત કરી છે . પીએમ મોદીએ જણાવ્યું કે દિવાળી સુધીમાં GSTમાં નવી પેઢીના સુધારા (Next-Gen Reforms) કરવામાં આવશે, જેના પરિણામે દેખીતી રીતે ટેક્સના દરો ઘટશે અને સામાન્ય જનતાને રાહત મળશે.
હવે માત્ર બે 5% અને 18%. GST સ્લેબ
કેન્દ્ર તરફથી મળેલી મહત્વની માહિતી અનુસાર GST કાઉન્સિલના મંત્રી સમૂહને સૂચન આપવામાં આવ્યું છે કે હવે માત્ર બે 5% અને 18%. GST સ્લેબ હોવા જોઈએ. હાલના 12% સ્લેબની અંદર આવેલી લગભગ 99% વસ્તુઓને 5% સ્લેબમાં ખસેડવાની ભલામણ છે અને 28% GST સ્લેબમાં આવેલી લગભગ 90% વસ્તુઓને 18% સ્લેબમાં ખસેડવાની ભલામણ છે. કેન્દ્રે નવા સુધારિત સ્ટ્રક્ચર હેઠળ માત્ર 5% અને 18% બે દરોનો પ્રસ્તાવ મૂક્યો છે. સરકારને આશા છે કે આ સુધારાથી વપરાશમાં વધારો થશે, જેને કારણે ટેક્સ આવકમાં નુકસાન નહીં થાય.
સામાન્ય લોકો માટે શું છે રાહત?
દૈનિક ઉપયોગની વસ્તુઓ અને ઘરેલુ સામાન પર હવે માત્ર 5% GST લાગશે. જેથી મૂળભૂત જરૂરિયાતોની વસ્તુઓ પર ટેક્સ ઘટતા મોંઘવારીમાં ઘટાડો આવી શકે છે. જો કે તમાકુ ઉત્પાદન પર હજી પણ 40% GST જ રહેશે. ગુટખા, પાન મસાલા વગેરેને તેમને હજું પણ હાનિકારક શ્રેણી તરીકે જ રાખવામાં આવશે.
શું રહેશે 40% GST કેટેગરીમાં?
રેફ્રિજરેટર, એસી અને વોશિંગ મશીન જેવી મશીનોને 40% શ્રેણીમાં ન મુકવાની ભલામણ કરાઇ છે. માત્ર 5થી 7 વસ્તુઓ જ 40% GST કેટેગરીમાં રહેશે
મોંઘવારી પર અસર
જો GST કાઉન્સિલની આગામી બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર થાય છે, તો ઘરેલુ ઉત્પાદનો પર ટેક્સ ઘટવાથી મોંઘવારીમાં ધરખમ ઘટાડો આવી શકે છે. સરકારનો ઉદ્દેશ છે કે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન આ સુધારા અમલમાં લાવી દેશ માટે તેની લાભદાયક અસર જોવા મળે. એક નિવેદનમાં સરકારે જણાવ્યું કે GST હવે એક "સરળ, સ્થિર અને પારદર્શક" કર પ્રણાલી બની રહી છે, જે દેશમાં સમાવિષ્ટ વિકાસ માટે માર્ગ મોકળો કરે છે.