હૈદરાબાદના એક પોશ વિસ્તારની સુરક્ષિત માનવા વાળી ગેટેડ સોસાયટીમાં હચમચાવી નાખતી એક ઘટના બનવા પામી છે. જેની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કરી રહ્યા છે. અહિંયા ચોરો 50 વર્ષીય મહિલાની હત્યા કરી નાખે છે. આરોપીઓએ પહેલા મહિલાને પ્રેશર કૂકરથી મારી, બાદમાં ચપ્પુ અને કાતરથી ગળું કાપ્યુ.
આ ખતરનાક ઘટના સાયબરાબાદના આઈટી હબ વિસ્તારમાં આવેલા સ્વાન લેક એપાર્ટમેન્ટની 13મી માળ પર બની, જ્યાં રેણુ અગ્રવાલ તેમના પતિ અને પુત્ર સાથે રહેતા હતા. બુધવારે સવારે લગભગ 10 વાગ્યે તેમના પતિ અને પુત્ર નોકરીએ ગયા હતા. સાંજે જ્યારે રેણુનો ફોન ઉપડ્યો નહીં, તો ચિંતિત પતિ ઘરે પાછા ફર્યા. દરવાજો અંદરથી બંધ હતો, તેથી પ્લમ્બરની મદદથી બાલ્કનીના રસ્તે ઘરમાં પ્રવેશ કર્યો. અંદર જોયું તો દ્રશ્ય જોઇને તેમના હોશ ઊડી ગયા. રેણુ અગ્રવાલનો લોહીથી લથપથ મૃતદેહ ઘરમાં પડેલો હતો.
પહેલા કુકરથી માર્યું, પછી ગળું કાપ્યું
પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ખૂબ જ નિષ્ઠુર રીતે હત્યા કરી હતી. રેણુ અગ્રવાલના હાથ-પગ બાંધીને, તેમના માથા પર પ્રેશર કુકરથી અનેક વખત વાર કર્યા. ત્યાર બાદ છરી અને કાતર થી તેમનું ગળું કાપી નાખ્યું. હત્યારાઓએ ઘરમાંથી લગભગ 40 ગ્રામ સોનું અને 1 લાખ રૂપિયા રોકડ લૂંટી લીધા. આવું કૃત્ય કર્યા બાદ તેમને બિલકુલ અફસોસ ન હોય તેમ તેઓ શાંતિથી ઘરમાં સ્નાન કરીને, નવા કપડા પહેરીને ફરાર થઈ ગયા. પોલીસે મૃતદેહ કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
શંકાની સોય ઘરેલૂ નોકરો પર
પોલીસની પ્રાથમિક તપાસમાં શંકાની સોય બે ઘરેલૂ નોકરો પર જઈ રહી છે. સીસીટીવી ફૂટેજમાં બંનેને બપોરના સમયે 13મા માળ પર જતાં અને સાંજે 5:02 વાગ્યે બહાર નીકળતાં જોઈ શકાય છે. આમાંથી એક, હર્ષ અગ્રવાલ પરિવારના ઘરે માત્ર 10 દિવસ પહેલા નોકરીએ લાગ્યો હતો અને તે ઝારખંડનો રહેવાસી હોવાનુ સામે આવ્યુ છે. બીજો આરોપી રોશન, પાડોશમાં 14મા માળ પર કામ કરતો હતો. પોલીસને શંકા છે કે બંનેએ મળીને આ ઘટનાને અંજામ આપ્યો છે અને તેઓ રાંચી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુકટપલ્લી પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.