દિલ્હી સરકારે નવી EV પોલિસી 2026ને કેબિનેટમાં મંજૂરી આપી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. હવે આ પોલિસીને ઉપરાજ્યપાલ (LG)ની મંજૂરી માટે મોકલવામાં આવશે. મંજૂરી મળ્યા બાદ તેને 1 જુલાઈ 2026થી અમલમાં મૂકવાનો પ્રસ્તાવ છે. આ પોલિસી 31 માર્ચ 2030 સુધી અમલમાં રહેશે.
4 વર્ષમાં 7,000 કરોડ રૂપિયાથી વધુનું સીધું રોકાણ કરવાની જાહેરાત
નવી EV પોલિસીનો મુખ્ય હેતુ દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને ઘટાડવાનો અને ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. સરકારનું માનવું છે કે પેટ્રોલ અને ડીઝલ વાહનોની જગ્યાએ વધુ લોકો ઈલેક્ટ્રિક વાહનો અપનાવશે તો પ્રદૂષણમાં ઘટાડો થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે. સરકારે આગામી ચાર વર્ષમાં 7,000 કરોડ રૂપિયાથી વધુનું સીધું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ઉપરાંત ટેક્સમાં છૂટ, ચાર્જિંગ સ્ટેશન અને અન્ય સુવિધાઓ સહિત કુલ 15,000 કરોડ રૂપિયાના લાભનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.













