ધારાલી દુર્ઘટના બાદ એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO)એ PWD સાથે મળીને રવિવાર સાંજ સુધીમાં ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લિમચ્યાગઢ ગામમાં એક વેલી બ્રિજ તૈયાર કરી દીધો છે. આ કારણે સોનગઢ સુધીનો માર્ગ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. અત્યાર સુધી સેના હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી હતી, જે હવામાનને કારણે મોટી અડચણ સાબિત થઈ રહી હતી.
હવે આગળનો રસ્તો વધુ સારો હશે
આ દુર્ઘટના પછી ધારાલીના તમામ રસ્તો ધ્વસ્ત થઈ ગયા હતા. આ દુર્ઘટના સમયે લિમચ્યાગઢ ગામમાં આવેલો પુલ ધોવાઈ ગયો હતો. આ પુલને સરહદી તકનૌર વિસ્તારની જીવનરેખા કહેવામાં આવતો હતો. તેના ધોવાણને કારણે ટ્રાફિક સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો. આ દુર્ઘટના દરમિયાન પાણી અને પથ્થરોના ભારે પ્રવાહને કારણે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરનો રસ્તો ઘણી જગ્યાએ તૂટી ગયો હતો. ગંગણીથી આગળ લિમચ્યાગઢ ગામમાં 30 મીટરનો પુલ ધોવાઈ ગયો હતો. તેના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. BROએ દિવસ-રાત કામ કરીને માત્ર 3 દિવસમાં વેલી બ્રિજ બનાવ્યો. આ પુલના નિર્માણ સાથે આગળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું સમારકામ કરવાનો માર્ગ મોકળો થયો છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કરી રહ્યા છે કામગીરીનું નિરીક્ષણ
ધારાલી અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના ઘણા વિભાગો અને એજન્સીઓ સાથે મળીને બચાવ અને રાહત કામગીરી ચલાવી રહ્યા છે. આપત્તિગ્રસ્ત વિસ્તારમાં સુવિધાઓ, વીજળી અને પીવાના પાણીનો પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પોતે કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. SDRFએ માહિતી આપી હતી કે આપત્તિગ્રસ્ત લોકો માટે મોટા રસોડા ચલાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રની મદદથી ધારાલી અને હર્ષિલ વિસ્તારમાં બનેલા આ રસોડાઓ 7 ઓગસ્ટથી 1615થી વધુ લોકોને તાજો ખોરાક પૂરો પાડી ચૂક્યા છે. અસરગ્રસ્ત પરિવારોને દરરોજ નિર્ધારિત સમયે નાસ્તો, લંચ અને ડિનરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.