અમદાવાદમાં 12મ જૂનના રોજ થયેલી પ્લેન ક્રેશની ઘટના બાદ બુધવારે એર ઇન્ડિયાની ત્રણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સ્ટાફ શેડ્યૂલ, કુદરતી આફતો અને ટેકનિકલ સમસ્યાઓને કારણે રદ કરવામાં આવી હતી. એરલાઇન્સે જણાવ્યું હતું કે આમાંથી બે ફ્લાઇટ્સ ત્યારે રદ કરવામાં આવી હતી જ્યારે મુસાફરો પહેલાથી જ વિમાનમાં બેસી ગયા હતા.
ટોરોન્ટો-નવી દિલ્હી ફ્લાઇટ રદ
18 જૂને રોજ ટોરોન્ટોથી નવી દિલ્હી જતી ફ્લાઇટમાં મેન્ટેનન્સ વર્ક અને ક્રૂ સભ્યોએ તેમની ફરજો ઓળંગી જવાને કારણે રદ કરવામાં આવી હતી. વિમાનમાં બેઠા પછી મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા, જેના કારણે મુસાફરોમાં અસુવિધા અને ગુસ્સો ફેલાયો હતો.
દુબઈથી દિલ્હી ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રદ્દ
દુબઈથી દિલ્હી આવતી ફ્લાઇટ AI996 પણ ટેકનિકલ ખામીને કારણે ફ્લાઇટ પહેલાં જ રદ કરવામાં આવી હતી. આ ફ્લાઇટમાં પણ મુસાફરો પહેલાથી જ ચડી ગયા હતા. તેમને નીચે ઉતારવામાં આવ્યા હતા.
જ્વાળામુખી ફાટ્યા બાદ બાલી ફ્લાઇટ રદ
તે જ દિવસે, દિલ્હીથી બાલી જતી ફ્લાઇટ AI2145 ને બાલી ટાપુ નજીક જ્વાળામુખી સક્રિય હોવાના સમાચાર મળતાં તેને અધવચ્ચે જ પાછા ફરવાનું સૂચન કરાયું હતું. વિમાન સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું અને તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા
બોઇંગ 787 વિમાન પર ખાસ દેખરેખ
એર ઇન્ડિયાએ માહિતી આપી હતી કે બોઇંગ 787 ડ્રીમલાઇનર ફ્લાઇટ્સ પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. 12 જૂને અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI171 ની ઘટના બાદ, DGCA (નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય) એ તમામ સંબંધિત વિમાનોની કડક તકનીકી તપાસ માટે આદેશ જારી કર્યો છે
83 ફ્લાઇટ્સ રદ્દ કરાઈ
12થી 17 જૂન દરમિયાન એર ઇન્ડિયાએ કુલ 83 ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરી છે. આમાંથી 66 ફ્લાઇટ્સ બોઇંગ 787 ફ્લાઈટ સાથે સંબંધિત હતી. રદ કરાયેલી બધી ફ્લાઇટ્સનું મુખ્ય કારણ ટેકનિકલ ખામી, સ્ટાફ શેડ્યૂલિંગ સમસ્યાઓ અને હવામાન છે.
મુસાફરોમાં અસંતોષ વધ્યો
ઘણા મુસાફરોએ વારંવાર ફ્લાઇટ રદ કરવા અને છેલ્લી ઘડીની માહિતીને કારણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઘણા લોકોએ કહ્યું કે બોર્ડિંગ બાદ ફ્લાઇટ કેન્સલ કરવી એ એક અસ્વસ્થતા અને અસુવિધાજનક અનુભવ છે. એર ઇન્ડિયાએ તેનો જવાબ આપતા કહ્યું છે કે તે મુસાફરોને સંપૂર્ણ રિફંડ અને મફત રિ-શેડ્યુલિંગનો વિકલ્પ આપશે.