દેશ અને દુનિયાના ઇતિહાસ તેમજ વર્તમાન રાજકારણ માટે 18 જૂન 2026નો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. એક તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનો વૈશ્વિક પ્રવાસ પૂર્ણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં રાજકીય ગરમાવો અને કુદરતી આફતનો બેવડો માહોલ જોવા મળશે.
PM મોદીનો યુરોપ પ્રવાસ પૂર્ણ: વિવાટેક 2026માં આપશે હાજરી
18 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફ્રાન્સ અને સ્લોવાકિયાનો છ દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસ પૂર્ણ થઈ રહ્યો છે. ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટમાં વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા સુરક્ષા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ગંભીર મુદ્દાઓ પર મંથન કર્યા બાદ, તેઓ પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોન સાથે પ્રખ્યાત 'વિવાટેક 2026' ઇવેન્ટમાં ભાગ લેશે. ત્યારબાદ સંયુક્ત ઘોષણાપત્ર જાહેર કરવામાં આવશે.
10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર મતદાન અને પરિણામ
ચૂંટણી પંચના સત્તાવાર કાર્યક્રમ મુજબ, 18 જૂનના રોજ દેશના 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો માટે સવારે 9 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. મતદાન પૂર્ણ થયા બાદ તે જ દિવસે સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને મોડી રાત સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
હવામાન વિભાગનું મોટું એલર્ટ: 13 રાજ્યોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ
દેશભરમાં ચોમાસું તીવ્ર બન્યું છે. હવામાન વિભાગે 18 જૂનના રોજ ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી સહિત 13 રાજ્યોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. ઉત્તર-પશ્ચિમ ભારત પર નવું 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવના છે.
શિવસેના (UBT) માં મોટું સંકટ: સાંસદો બળવો કરે તેવી આશંકા વચ્ચે હ્વિપ જારી
મહારાષ્ટ્રના રાજકારણમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. શિવસેના યુબીટી (UTB) ગુટે 18 જૂને સંસદીય દળની તાકીદની બેઠક બોલાવી છે. પાર્ટી પાસે કુલ ૯ લોકસભા સાંસદો છે, પરંતુ સૂત્રોના હવાલેથી મોટા સમાચાર મળી રહ્યા છે કે આ તમામ ૯ સાંસદો બાગી (બળવો) થઈ શકે છે. આ સંકટને ટાળવા માટે પાર્ટીએ 'હ્વિપ' જારી કરીને તમામ સાંસદોને બેઠકમાં હાજર રહેવા કડક આદેશ આપ્યો છે.
દિલ્હીમાં રાહુલ ગાંધીની મોટી સભા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 18 જૂને દિલ્હીના પ્રતિષ્ઠિત ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં એક વિશાળ સભાને સંબોધિત કરશે. અહીં તેઓ લઘુમતી (અલ્પસંખ્યક) નેતાઓ સાથે સીધો સંવાદ સાધશે અને સંગઠનને મજબૂત કરવા ચર્ચા કરશે.
ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ: દિલ્હી હાઈકોર્ટમાં મહત્ત્વની સુનાવણી
21 જૂન 2026ના રોજ યોજાનારી NEET-UG 2026 ની રી-એક્ઝામિનેશન (પુનઃપરીક્ષા) પહેલાં કેન્દ્ર સરકારે એક મોટો અને અભૂતપૂર્વ નિર્ણય લઈને લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર 22 જૂન સુધી અસ્થાયી પ્રતિબંધ મૂકી દીધો છે. ટેલિગ્રામે આ આદેશને ગેરબંધારણીય ગણાવીને દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બુધવારે કોર્ટે તાત્કાલિક રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી જણાવ્યું હતું કે, પ્લેટફોર્મ વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરતું હતું. હવે આ મામલે 18 જૂને બપોરે 2:30 વાગ્યે દિલ્હી હાઈકોર્ટમાં વ્યાપક સુનાવણી હાથ ધરવામાં આવશે.
ખગોળ પ્રેમીઓ માટે ખાસ: આકાશમાં દેખાશે 'વેક્સિંગ ક્રેસન્ટ મૂન'
18 જૂનના રોજ ચંદ્ર એક ખાસ સ્થિતિમાં જોવા મળશે. 18 જૂને ચંદ્ર તેની 'વેક્સિંગ ક્રેસન્ટ' (વધતી જતી બીજની કળા) ફેઝમાં પ્રવેશ કરશે. આજના દિવસે ચંદ્રના અખાતી ભાગનો માત્ર 14.2% હિસ્સો જ સૂર્યપ્રકાશથી પ્રકાશિત જોવા મળશે, જે રાત્રિના સમયે આકાશમાં એક ખૂબ જ સુંદર અને પાતળી ચાંદીની રેખા જેવો આકર્ષક નજારો પૂરો પાડશે. ચંદ્રના 29.5 દિવસના ચક્રમાં આ તેનો 3.63મો દિવસ હશે.
યુપીમાં સીએમ યોગી આદિત્યનાથનો પ્રવાસ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 18 જૂને કાનપુર અને ઉન્નાવના પ્રવાસે છે. તેઓ આ વિસ્તારોમાં અનેક મહત્વકાંક્ષી વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ ઉપરાંત પ્રશાસનિક બેઠકો યોજીને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા પણ કરશે.
ગોવા ક્રાંતિ દિવસ: આઝાદીના ઇતિહાસનો સુવર્ણ દિવસ
દર વર્ષે 18 જૂનને 'ગોવા ક્રાંતિ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. 18 જૂન, 1946ના રોજ ડૉ. રામ મનોહર લોહિયાએ ગોવાના લોકોને પોર્ટુગીઝ શાસન સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરણા આપી હતી, જેણે આગળ જઈને 19 ડિસેમ્બર 1961ના રોજ ગોવાને સંપૂર્ણ મુક્તિ અપાવી.
વડોદરામાં રોજગાર મેળો
વડોદરાના તરસાલી આઈટીઆઈ કેમ્પસ ખાતે 18 જૂનના રોજ સવારે 10 વાગ્યાથી એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાશે, જેમાં ખાનગી કંપનીઓ દ્વારા 150થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી કરાશે.
પોરબંદરમાં ઐતિહાસિક પ્રસ્તાવ
18 જૂનના રોજ પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત કોર્પોરેટરો માટે પ્રતિમાસ રૂ. 10,000નું માનદ વેતન અને ભથ્થાં મંજૂર કરવાનો ક્રાંતિકારી પ્રસ્તાવ સામાન્ય સભામાં રજૂ થશે.
ફીફા વર્લ્ડ કપ 2026: ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે મહામુકાબલો
18 જૂનના રોજ ફીફા વર્લ્ડ કપમાં રોમાંચક મેચો રમાવાની છે, જેમાં સૌથી મોટો મુકાબલો ભારતીય સમય અનુસાર મોડી રાત્રે (19 જૂનની વહેલી સવારે) 01:30 કલાકે ઇંગ્લેન્ડ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ સિવાય ઘાના વિરૂદ્ધ પનામા, ઉઝબેકિસ્તાન વિરૂદ્ધ કોલંબિયા અને ચેકિયા વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થશે.
18 જૂનની ઐતિહાસિક ઘટનાઓ
- 1979: અમેરિકાના રાષ્ટ્રપતિ જિમ્મી કાર્ટર અને સોવિયત રાષ્ટ્રપતિ બ્રેઝનેવ દ્વારા ઐતિહાસિક 'સોલ્ટ-II' (SALT-II) કરાર પર હસ્તાક્ષર કરાયા.
- 1997: કંબોડિયાના ખૂંખાર ખમેર રુજના નેતા અને 20 લાખથી વધુ લોકોના હત્યારા માઓવાદી પોલ્પોટે આત્મસમર્પણ કર્યું.
- 1999: 35 યુરોપિયન દેશો વચ્ચે લંડનમાં પીવાના પાણીના કરાર થયા. લાતવિયામાં વિકે ફેબ્રેમાને દેશના નવા મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા.
- 2001: પાકિસ્તાને પોતાના ડિફેન્સ બજેટમાં ઘટાડો કર્યો. તાલિબાને અમેરિકા વિરૂદ્ધ ઓસામા બિન લાદેનનો ફતવો રદ કર્યો.
- 2004: ચાડના સૈનિકોએ 69 સુદાનીઝ સૈનિકોને મારી નાખ્યા. દક્ષિણ કોરિયાએ ઇરાકમાં સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો.
- 2008: કેન્દ્ર સરકારે ગુર્જરોને OBC ક્વોટામાં 5% અનામત આપવાની જાહેરાત કરી.
- 2008: ભારત આવેલા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ વચ્ચે 3 કરાર થયા.
- 2008: ફાર્મા કંપની રેનબેક્સીએ ફાઈઝર સાથેનો પેટન્ટ વિવાદ પૂરો કર્યો.
- 2008: વિયેતનામે ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો.
- 2017: ICC ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
મહાન હસ્તીઓની જન્મજયંતિ
ગોડેતી માધવી (1992): આંધ્રપ્રદેશના મહિલા રાજકારણી.
હોમી ડેડી મોતીવાલા (1958): નૌકાયાન ક્ષેત્રના ભારતના શ્રેષ્ઠ ખેલાડી.
કેએસ સુદર્શન (1931): રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પાંચમા સરસંઘચાલક.
દાદા ધર્માધિકારી (1899): પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, લેખક અને ગાંધીવાદી વિચારક.
અનુગ્રહ નારાયણ સિંહા (1887): સ્વાતંત્ર્ય સેનાની અને આધુનિક બિહારના નિર્માતા.
ફર્નાન્ડો હેનરિક કાર્ડોસો (1931): બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
પી. વેંકટસુબૈયા (1921): બિહાર અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ.
સી. વિજય રાઘવ ચારિયાર (1852): ભારતના પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા.
જંગ બહાદુર (1817): નેપાળના ભૂતપૂર્વ વડાપ્રધાન.
પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ
- મિલ્ખા સિંહ (2021): ભારતના મહાન દોડવીર, જેમને દુનિયા 'ફ્લાઈંગ શીખ' તરીકે ઓળખે છે.
- નસીમ બાનો (2002): હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી.
- અલી અકબર ખાન (2009): વિશ્વપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક અને સરોદ વાદક.
- યુદ્ધવીર સિંહ (1993): સ્વાતંત્ર્ય સેનાની, નેતા અને જાણીતા હોમિયોપેથી ડૉક્ટર.
- સેઠ ગોવિંદ દાસ (1974): સ્વાતંત્ર્ય સેનાની, સંસદસભ્ય અને હિન્દી લેખક.
- જ્યોર્જી ઝુકોવ (1974): સોવિયત સંઘના પૂર્વ રક્ષામંત્રી.
આ પણ વાંચો - Sandesh Explainer: ફ્રાન્સમાં યોજાયેલી G7 સમિટ ભારત માટે કેવી રીતે મહત્ત્વની સાબિત થશે?













