20 જૂન 2026નો દિવસ દેશ અને દુનિયા માટે રાજકીય, સામાજિક અને ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાનના પ્રવાસથી લઈને ખેડૂતો માટે મોટી આર્થિક જાહેરાતો અને વૈશ્વિક સૈન્ય અભ્યાસ સુધીની અનેક મોટી ઘટનાઓ પર 20 જૂનના રોજ સૌની નજર રહેશે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મુર્મૂનો ઓડિશા પ્રવાસ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાના પહાડપુરની મુલાકાતે રહેશે. ત્યાં તેઓ સ્કૂલ અને કૌશલ્ય કેન્દ્રની મુલાકાત લઈ બાળકો અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. ત્યારબાદ રાયરંગપુરમાં એક મોટી જનસભાને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ કરશે.
પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો જાહેર થશે
વડાપ્રધાન મોદી 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વરથી 'પીએમ કિસાન સન્માન નિધિ યોજના'નો 23મો હપ્તો રિલીઝ કરશે. આ અંતર્ગત દેશના 9.44 કરોડ ખેડૂતોના ખાતામાં રૂ. 18,880 કરોડથી વધુની રકમ સીધી ટ્રાન્સફર કરાશે. ગુજરાતના પણ 51.25 લાખ ખેડૂતોને રૂ. 1,025 કરોડથી વધુનો લાભ મળશે. આ નિમિત્તે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'પીએમ કિસાન ઉત્સવ દિવસ' ઉજવાશે.
NEET UG 2026 રી-એક્ઝામ માટે દેશવ્યાપી મોક ડ્રિલ
21 જૂનના રોજ યોજાનારી NEET-UG રિ-એક્સામ પૂર્વે નેશનલ ટેસ્ટિંગ એજન્સી 20 જૂનના રોજ દેશભરમાં એક મોક ડ્રિલનું આયોજન કરશે, જેથી પરીક્ષા કોઈપણ અવરોધ વગર શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ શકે. આ સાથે જ મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓ માટે રેલવે દ્વારા ઈન્દોર-ભોપાલ-રતલામ રૂટ પર 'એક્ઝામ સ્પેશિયલ ટ્રેન' ચલાવવામાં આવશે.
ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણનનો લદ્દાખ પ્રવાસ
20 જૂનના રોજ ઉપરાષ્ટ્રપતિ લદ્દાખના લુકુંગ ગામની મુલાકાત લેશે અને સરહદી વિસ્તારોમાં 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' હેઠળ ચાલતા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
ભાજપ અધ્યક્ષ નિતિન નવીનનો પંજાબ પ્રવાસ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન 20 જૂનના રોજ ત્રણ દિવસના પંજાબ પ્રવાસે જશે, અને અમૃતસરમાં સુવર્ણ મંદિર ખાતે માથું ટેકવશે.
સીએમ યોગી આદિત્યનાથનો લલિતપુર પ્રવાસ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 20 જૂનના રોજ લલિતપુરના પ્રવાસે જઈ શકે છે, જ્યાં તેઓ અનેક વિકાસ કાર્યો જનતાને સમર્પિત કરશે.
છત્તીસગઢ કોંગ્રેસ શિબિર
કોંગ્રેસના નવા જિલ્લા અને શહેર પ્રમુખો માટેનો રહેણાંક પ્રશિક્ષણ શિબિર 20 જૂનના રોજથી શરૂ થશે, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે.
ઈન્દોર-ઉજ્જૈન ગ્રીનફિલ્ડ કોરિડોરનું ભૂમિપૂજન
મધ્યપ્રદેશમાં સિંહસ્થ કુંભમેળા પહેલાં મુસાફરી સરળ બનાવવા માટે 48.10 કિમી લાંબા ફોરલેન ગ્રીનફિલ્ડ કોરિડોરનું ભૂમિપૂજન મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર 20 જૂનના રોજ કરશે. આ પ્રોજેક્ટથી બંને શહેરો વચ્ચેનું અંતર ઘટીને માત્ર 30-35 મિનિટનું થઈ જશે.
અમરનાથ યાત્રા સુરક્ષાનું ગ્રાઉન્ડ રિવ્યુ
કેન્દ્રીય ગૃહ મંત્રાલયની એક ઉચ્ચ સ્તરીય ટીમ ગૃહ સચિવ ગોવિંદ મોહનના નેતૃત્વમાં 20-21 જૂને જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે. આ ટીમ અમરનાથ યાત્રાની સુરક્ષા, સ્વાસ્થ્ય અને પરિવહન વ્યવસ્થાઓની આખરી સમીક્ષા કરશે.
ભારત-અફઘાનિસ્તાન 3જી વનડે મેચ
અફઘાનિસ્તાનના ભારત પ્રવાસની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ આજે લખનઉના અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
IIT ગાંધીનગરનો 15મો દીક્ષાંત સમારોહ
આઈઆઈટી ગાંધીનગર તેના ઇતિહાસમાં સૌથી વધુ 734 ડિગ્રી એનાયત કરશે. 20 જૂનના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે આ ભવ્ય સમારોહ યોજાશે.
શિક્ષકોનું આંદોલન અને ધરણા
વર્ષ 2010 પહેલાં ભરતી થયેલા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવાની માગ સાથે રાજ્યભરના શિક્ષક સંગઠનો 20 જૂનના રોજથી જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપશે અને ધરણા પ્રદર્શન કરશે.
આણંદના ભરોડામાં જન કલ્યાણ શિબિર
આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉમરેઠના ભરોડા ગામે 20 જૂનના રોજ સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી જન કલ્યાણ શિબિર યોજાશે, જ્યાં સરકારી યોજનાઓના પ્રશ્નોનું સ્થળ પર જ નિવારણ લાવવામાં આવશે.
સૈન્ય અભ્યાસ 'ખાન ક્વેસ્ટ'
ભારતીય સેનાની ટુકડી 20 જૂનના રોજ મંગોલિયાના ઉલાનબાતાર ખાતે યોજાનારા બહુપક્ષીય સૈન્ય અભ્યાસ 'ખાન ક્વેસ્ટ' (23મી આવૃત્તિ) માં ભાગ લેવા માટે રવાના થઈ રહી છે. આ અભ્યાસ 3 જુલાઈ સુધી ચાલશે.
કૈલાશ માનસરોવર યાત્રા શરૂ
નાથુલા દર્રા (સિક્કિમ) ના રસ્તેથી 20 જૂનના રોજથી પ્રખ્યાત કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઈ રહી છે. આ વર્ષે 500 શ્રદ્ધાળુઓ 10 અલગ-અલગ બેચમાં યાત્રા કરશે.
હવામાન અપડેટ: 19 રાજ્યોમાં એલર્ટ
20 જૂનના રોજ દેશમાં હવામાનના બે અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ (IMD) એ બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને કેરળ સહિત 19 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 50 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
વિશ્વ શરણાર્થી દિવસ
યુનાઇટેડ નેશન્સ દ્વારા દુનિયાભરના શરણાર્થીઓના સંઘર્ષ અને હિંમતને સન્માન આપવા માટે દર વર્ષે 20 જૂને આ દિવસ ઉજવાય છે.
ગ્રીષ્મ અયનકાળ
ભૌગોલિક દ્રષ્ટિએ ઉત્તર ગોળાર્ધમાં 20 જૂનના રોજ વર્ષનો સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત હોય છે.
20 જૂનની ઐતિહાસિક ઘટનાઓ
- 1789: ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન થર્ડ એસ્ટેટના ડેપ્યુટીઓએ પ્રસિદ્ધ 'ટેનિસ કોર્ટના શપથ' લીધા.
- 1840: સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફના પેટન્ટ અધિકારો મેળવ્યા.
- 1858: બ્રિટિશ સેનાએ ગ્વાલિયર પર ફરીથી નિયંત્રણ મેળવ્યું, જે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો અંતિમ તબક્કો હતો.
- 1887: મુંબઈનું ઐતિહાસિક રેલવે સ્ટેશન 'વિકટોરિયા ટર્મિનસ' (હાલનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ - CSMT) સામાન્ય જનતા માટે ખુલ્લું મુકાયું.
- 1948: ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને સત્તાવાર રીતે ભારતમાંથી વિદાય લીધી.
- 1990: ઉત્તર ઈરાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં 40,000 થી વધુ લોકોના મોત થયા.
- 2003: ઓનલાઈન જ્ઞાનકોશ ચલાવતા વિકિમીડિયા ફાઉન્ડેશનની સ્થાપના થઈ.
પ્રખ્યાત હસ્તીઓનો જન્મદિવસ
- દ્રૌપદી મુર્મૂ (1958): ભારતના વર્તમાન અને 15મા રાષ્ટ્રપતિનો જન્મ 20 જૂનના રોજ થયો છે.
- વિક્રમ સેઠ (1952): 'A Suitable Boy' જેવી મહાન નવલકથાના લેખક અને ભારતના પ્રખ્યાત કવિ.
- મુફ્તી મોહમ્મદ સઈદ (1936): જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના પૂર્વ ગૃહમંત્રી.
આ પણ વાંચો - 19 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર













