8 જૂનનો દિવસ રાજકીય, વહીવટી, શૈક્ષણિક અને કાનૂની મોરચે ખૂબ જ ઘટનાપૂર્ણ રહેવાનો છે. દિલ્હીના રાજકારણથી લઈને ગુજરાતના વહીવટી તંત્ર સુધી આવતીકાલે અનેક મોટા ફેરફારો અને કાર્યક્રમો જોવા મળશે. આવો જાણીએ 8 જૂનના રોજ બનનારી તમામ મહત્વની ઘટનાઓ વિશે વિગતવાર:



ગુજરાતના નવા DGP તરીકે જીએસ મલિક ચાર્જ સંભાળશે

ગુજરાત પોલીસ વિભાગ માટે 8 જૂનનો દિવસ અત્યંત મહત્વનો છે. રાજ્યના નવા પોલીસ વડા (DGP) તરીકે જીએસ મલિક સવારે 11:30 વાગ્યે સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળશે. વહીવટી વર્તુળો અને પોલીસ બેડામાં આ પદભાર ગ્રહણને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.


વેકેશન પૂર્ણ: મીઠા મોં સાથે શાળાઓમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ

લાંબા ઉનાળુ વેકેશન બાદ 8 જૂનથી સમગ્ર રાજ્યની શાળાઓમાં ફરી બાળકોનો કિલકિલાટ ગુંજશે. વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવીને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવશે. જોકે, દિલ્હી હોટલ અગ્નિકાંડ બાદ અમદાવાદ સહિત રાજ્યભરનું શિક્ષણ વિભાગ એલર્ટ પર છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો, એસી અને કમ્પ્યુટર લેબના વાયરિંગનું કડક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.


ગુજરાત હાઈકોર્ટમાં બે મહત્વના મુદ્દાઓ પર સુનાવણી

8 જૂનના રોજ ગુજરાત હાઈકોર્ટમાં પણ મહત્વની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલા 'રોડ ટ્રાફિક અને રખડતા ઢોર'ના મુદ્દે તેમજ 'ફાયર સેફ્ટી'ના કડક અમલીકરણ મુદ્દે દાખલ અરજીઓ પર મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે, જેના પર સમગ્ર રાજ્યની નજર રહેશે.


દિલ્હીમાં વિપક્ષી ગઠબંધન 'INDIA' ની મહાબેઠક

રાષ્ટ્રીય સ્તરે, દિલ્હીમાં લગભગ 10 મહિનાના લાંબા અંતરાલ બાદ 'INDIA' ગઠબંધનની એક મોટી બેઠક 8 જૂનના રોજ બપોરે 12:00 વાગ્યે યોજાશે. આ બેઠકમાં વિપક્ષી ગઠબંધનના 23 જેટલા અગ્રણી પક્ષોના નેતાઓ આગામી રાજકીય અને સંસદીય રણનીતિ ઘડવા માટે મંથન કરશે.


અમિત શાહની અમરનાથ યાત્રા અંગે બેઠક અને ભારત-બાંગ્લાદેશ સમન્વય સંમેલન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને 3 જુલાઈથી શરૂ થનારી શ્રી અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આ જ દિવસે દિલ્હીમાં ભારતની BSF અને બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) વચ્ચે 57મું મહાનિદેશક સ્તરનું સરહદ સમન્વય સંમેલન પણ શરૂ થશે.


હવામાન અપડેટ: 11 રાજ્યોમાં આંધી-વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દેશના 11 રાજ્યોમાં (કેરળ, કર્ણાટક, તમિલનાડુ વગેરે) 80 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ યુપીમાં 8થી 12 જૂન દરમિયાન તીવ્ર લૂ ચાલવાનું એલર્ટ છે.


ગુજરાતના સ્થાનિક સમાચાર

અમદાવાદ (પીએમ સ્વનિધિ લોન મેળો): વસ્ત્રાપુર ખાતે સવારે 10 વાગ્યે મેયર અને પદાધિકારીઓની હાજરીમાં પીએમ સ્વનિધિ લોન મેળાનું આયોજન થશે.

અરવલ્લી (પ્રગતિપથ યાત્રા): અરવલ્લી જિલ્લામાં સવારે 8 વાગ્યે મોડાસાના સાગવા થી ભાજપ સંગઠન દ્વારા 'પ્રગતિપથ યાત્રા' શરૂ થશે, જેનું ધનસુરાના શીનોલ ગામે સમાપન થશે.

બોટાદ (વૃક્ષારોપણ અને વિકાસ મોડલ): કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્ભણિયાના હસ્તે કૃષ્ણ સાગર તળાવ ખાતે વૃક્ષારોપણ થશે અને સર્કિટ હાઉસ ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરાશે.

ડાંગ (વીર નાગરિક એવોર્ડ): ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ગુનાખોરી અટકાવવામાં મદદ કરનાર જાગૃત નાગરિકો માટે રૂ. 2,000 થી રૂ. 10,000 સુધીના રોકડ પુરસ્કાર વાળી “વીર નાગરિક એવોર્ડ" યોજના 8 જૂનથી અમલમાં મૂકાશે.

ધોરાજી (ખેડૂતોનું આવેદનપત્ર): તોરણીયા ગામની સીમમાં ગાડા માર્ગ પર થયેલા ગેરકાયદેસર દબાણો મુદ્દે તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા, તોરણીયાના ખેડૂતો ચોમાસા પહેલા મુશ્કેલીથી બચવા ધોરાજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપશે.

વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ: 8 જૂને આ વૈશ્વિક દિવસ નિમિત્તે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને બ્રેઈન ટ્યુમરના લક્ષણો પ્રત્યે જાગૃત રહેવા અપીલ કરી છે.


આ પણ વાંચો - 7 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર


  • Follow us on: