લખનૌથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટમાં શુક્રવારે સવારે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ, જ્યારે વિમાન ટેક-ઓફ કરે તે પહેલાં જ તેના શૌચાલય (ટોઇલેટ) માંથી એક શંકાસ્પદ ટિશ્યુ પેપર મળી આવ્યું. આ ટિશ્યુ પેપર પર મોટા અક્ષરે 'બોમ્બ' (BOMB) લખેલું હતું. આ જોતાં જ ક્રૂ મેમ્બર્સ અને એરપોર્ટ સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે ફ્લાઇટને એપ્રન પર જ રોકી દેવામાં આવી હતી.
૧૮૦ મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને આશરે ૧૮૦ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને રવાના થનારી ઇન્ડિગોની આ ફ્લાઇટ (6E) ને રોકવામાં આવતા જ મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ તેમજ સુરક્ષા કર્મચારીઓએ વિમાનના દરેક ખૂણાની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. સઘન સર્ચ ઓપરેશન બાદ વિમાનમાંથી કોઈ પણ શંકાસ્પદ કે વિસ્ફોટક સામગ્રી મળી નહોતી, જેનાથી તંત્ર અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષા એજન્સીઓએ તપાસ બાદ આ સમગ્ર ઘટનાને માત્ર એક 'હોક્સ' એટલે કે ફેક ન્યૂઝ (અફવા) જાહેર કરી છે. જો કે, આ કાયદાકીય અને સુરક્ષા પ્રક્રિયામાં સમય લાગવાને કારણે ફ્લાઇટે નિર્ધારિત સમય કરતાં મોડી ઉડાન ભરી હતી.













