આજે કૃષ્ણ જન્માષ્ટમી છે. ત્યારે આ અવસર પર કૃષ્ણ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ભક્તોની સુરક્ષાને ધ્યાને રાખીને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે વાત કરીએ મથુરામાં કેવી છે સુરક્ષા વ્યવસ્થા અને કેવો છે અત્યારે માહોલ.
સીએમ યોગી આપશે હાજરી
આ પ્રસંગે શહેરને ચાર ઝોન અને 18 સેક્ટરમાં વહેંચવામાં આવ્યું છે અને અહીં આવતા લાખો ભક્તોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પાંચ હજારથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. એક સત્તાવાર નિવેદન અનુસાર યુપી સીએમ યોગી આદિત્યનાથ શનિવારે મથુરામાં જન્માષ્ટમી ઉજવણીમાં હાજરી આપશે. મુખ્યમંત્રી શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં પ્રાર્થના કરશે અને પરિસરમાં એક વૃક્ષ પણ વાવશે.
યોગી આદિત્યનાથ ત્યારબાદ પંચજન્ય ઓડિટોરિયમમાં આયોજિત કાર્યક્રમમાં મથુરા માટે વિવિધ યોજનાઓનું ઉદ્ઘાટન પણ કરશે. તેઓ સંતોનું સન્માન પણ કરશે અને ગોવર્ધન પર્વત પર એક દસ્તાવેજી ફિલ્મ પણ જોશે.
ભારે વાહનો પર રોક
અધિકારીઓનું કહેવું છે કે મથુરાની જેમ જ વૃંદાવન અને અન્ય યાત્રાધામો પર ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ દિવસીય શ્રી કૃષ્ણ ઉત્સવને ધ્યાનમાં રાખીને, તમામ પ્રકારના ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન તરફ જતા રસ્તાઓ પર યાત્રાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર જેવા તમામ વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
દરેક રસ્તા પર વિવિધ સ્થળોએ અવરોધો મૂકવામાં આવ્યા છે જ્યાં કોઈપણ અનિચ્છનીય વ્યક્તિના પ્રવેશને નિયંત્રિત કરવા માટે તૈનાત પોલીસ અને પીએસી કર્મચારીઓ સતર્ક જોવા મળે છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન પહોંચવા માટે, મુખ્ય દરવાજાને બદલે ઉત્તરીય દરવાજા (ગોવિંદ નગરવાળા)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને બહાર નીકળવા માટે મુખ્ય દરવાજાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
નહી લઇ શકાય આ વસ્તુઓ
શ્રી કૃષ્ણ જન્મસ્થાનમાં મોબાઇલ ફોન, ચાવી, વીંટી, કાંડા ઘડિયાળ વગેરે જેવા કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ લઈ જવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે. જિલ્લા વહીવટીતંત્રે પરિસરમાં જૂતા, ચંપલ, બેગ, બીડી, માચીસ, લાઇટર, છત્રી વગેરે જેવી કોઈપણ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે.













