ભારતીય સેનાના નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને ભારતીય સેનાના આગામી આર્મી ચીફ તરીકે નિયુક્ત કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. સંરક્ષણ ક્ષેત્રમાં લાંબો અને સમૃદ્ધ અનુભવ ધરાવતા લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ 30 જૂન, 2026થી નવા આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળશે.
કયા સુધી ચાલશે તેમનો કાર્યકાળ?
રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, રાષ્ટ્રપતિએ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની ભારતીય સેનાના આગામી વડા તરીકે નિમણૂકને મંજૂરી આપી છે. તેઓ જનરલના સ્થાયી દરજ્જા સાથે 30 જૂન, 2026ના રોજ વર્તમાન આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદ્રીનું સ્થાન લેશે. તેમનો કાર્યકાળ 31 ઓગસ્ટ, 2028 સુધી રહેશે. હાલના આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 30 જૂન, 2024ના રોજ પદભાર સંભાળ્યો હતો. નિયમો અનુસાર આર્મી ચીફનો કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 62 વર્ષની ઉંમર સુધી, જેમાંથી જે પહેલું પૂર્ણ થાય ત્યાં સુધીનો હોય છે.
કોણ છે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ?
ધીરજ શેઠ પુણે સ્થિત નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે. ડિસેમ્બર 1986માં તેમને આર્મર્ડ કોર્પ્સમાં કમિશન મળ્યું હતું. તેમણે રણપ્રદેશમાં આર્મર્ડ રેજિમેન્ટ, વિકસિત વિસ્તારોમાં આર્મર્ડ બ્રિગેડ તેમજ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી દળનું સફળ નેતૃત્વ કર્યું છે. લેફ્ટનન્ટ જનરલ તરીકે બઢતી મળ્યા બાદ તેમણે સુદર્શન ચક્ર કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ તેઓ દિલ્હી ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે, જ્યાં તેમણે અનેક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કામગીરીઓનું નેતૃત્વ કર્યું હતું.
સંયુક્ત રાષ્ટ્ર મિશનનો પણ અનુભવ
લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠે અર્ધ-વિકસિત વિસ્તારોમાં ઈન્ફેન્ટ્રી બટાલિયનનું નેતૃત્વ કર્યું છે અને UNના દક્ષિણ સુદાન મિશનમાં પણ સેવા આપી છે. તેમણે સ્ટ્રાઈક કોર્પ્સમાં ઈન્ફેન્ટ્રી બ્રિગેડ, કાઉન્ટર ઇન્સર્જન્સી ફોર્સ અને નોર્ધર્ન કમાન્ડમાં પિવટ કોર્પ્સનું પણ નેતૃત્વ કર્યું છે. તેમના સૈન્ય અનુભવમાં ઓપરેશન પાવનમાં ભાગીદારી, ઈથિઓપિયામાં યુએન મિશનમાં સૈન્ય નિરીક્ષક તરીકે સેવા તેમજ નિયંત્રણ રેખા (LoC), ઉત્તર-પૂર્વીય વિસ્તારો અને ઊંચાઈવાળા સરહદી વિસ્તારોમાં અનેક મહત્વપૂર્ણ કામગીરીઓનો સમાવેશ થાય છે.
સેનાને મળશે અનુભવી નેતૃત્વ
લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની નિમણૂકને ભારતીય સેનાના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમના વિશાળ કામગીરી અનુભવ અને નેતૃત્વ ક્ષમતાને ધ્યાનમાં લેતા તેઓ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : DRDOએ બતાવી ભારતની આધુનિક સંરક્ષણ તાકાત, બેલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ અને એન્ટી-શિપ મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ













