નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation)ના જણાવ્યા અનુસાર, ઈરાન અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષા પરિસ્થિતિ બગડતા એરલાઇન્સને તેમના રૂટમાં મોટા ફેરફાર કરવા પડ્યા છે. પરિણામે શનિવારે લગભગ 410 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે 1 માર્ચે 444 ફ્લાઇટ્સ રદ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. હવાઈ ક્ષેત્ર બંધ થવાથી ફ્લાઇટ્સને લાંબા વિકલ્પી રૂટ અપનાવવા પડે છે, જેના કારણે ઇંધણ ખર્ચ, સમય અને ઓપરેશનલ મુશ્કેલીઓ વધી રહી છે.
એર ઇન્ડિયા અને ઇન્ડિગોની મહત્વપૂર્ણ કાર્યવાહી
ભારતની મુખ્ય એરલાઇન્સે મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપીને કડક નિર્ણય લીધા છે. Air Indiaએ 1 માર્ચે યુરોપ, અમેરિકા અને કેનેડા જતી 28 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. આમાં દિલ્હી અને મુંબઈથી લંડન, ન્યુ યોર્ક, શિકાગો, ટોરોન્ટો અને પેરિસ જેવા મુખ્ય આંતરરાષ્ટ્રીય ગંતવ્યોનો સમાવેશ થાય છે. ઉપરાંત, મધ્ય પૂર્વના તમામ સ્થળોની સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી છે. બીજી તરફ, IndiGoએ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી છે અને મુસાફરોને નિયમિત ટ્રાવેલ એડવાઇઝરી આપી રહી છે. અસરગ્રસ્ત મુસાફરોને રીબુકિંગ અને રિફંડના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.
કેરળ એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત
ગલ્ફ દેશો સાથેની મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ હોવાને કારણે કેરળના એરપોર્ટ્સ પર સૌથી વધુ અસર જોવા મળી છે. કોચીથી દોહા, દુબઈ, અબુ ધાબી અને રાસ અલ ખૈમાહ જતી ઘણી ફ્લાઇટ્સ રદ કે ડાયવર્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત Qatar Airwaysએ પણ દોહા માટેની પોતાની સેવાઓ અસ્થાયી રીતે સ્થગિત કરી છે.
સરકારની તૈયારી અને સુરક્ષા પગલાં
નાગરિક ઉડ્ડયન મંત્રીએ Directorate General of Civil Aviation અને Airports Authority of India સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એરલાઇન્સને આંતરરાષ્ટ્રીય સલામતી ધોરણો મુજબ વિકલ્પી રૂટ અપનાવવા સૂચના આપવામાં આવી છે. મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સને કટોકટી ઉતરાણ અને સંભવિત ડાયવર્ઝન માટે તૈયાર રહેવા પણ કહેવામાં આવ્યું છે. મુસાફરોની મદદ માટે પેસેન્જર આસિસ્ટન્સ કંટ્રોલ રૂમ (PACR) સક્રિય કરવામાં આવ્યો છે. એરસેવા પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોમાંથી મોટી સંખ્યામાં ફરિયાદોનું ઝડપી નિવારણ પણ કરવામાં આવ્યું છે.
મુસાફરો માટે મહત્વપૂર્ણ સલાહ
- મધ્ય પૂર્વની પરિસ્થિતિ હજુ પણ અસ્થિર હોવાથી, મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે:
- એરપોર્ટ જવા પહેલાં પોતાની ફ્લાઇટની સ્થિતિ તપાસે
- એરલાઇનની વેબસાઇટ અથવા એપ પર અપડેટ્સ જોતા રહે
- રિબુકિંગ/રિફંડ વિકલ્પોની માહિતી પહેલેથી મેળવે
- પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.
આ પણ વાંચો : Nagpur explosion : નાગપુરમાં વિસ્ફોટક બનાવતી ફેક્ટરીમાં ભયાનક બ્લાસ્ટ, 15 લોકોના મોત, અનેક ગંભીર રીતે ઘાયલ