ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે અહીંથી એક રસપ્રદ અને આસ્થાભર્યો કિસ્સો સામે આવ્યો છે. અહીં ગંગા નદીના પૂરમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (SI)ના ઘરમાં પાણી ઘૂસી ગયું, ત્યારે તેમણે ગભરાવાના બદલે તે પાણીમાં આસ્થાની ડૂબકી લગાવી અને પૂજા પણ કરી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
શું છે સમગ્ર મામલો?
પ્રયાગરાજમાં ફરજ બજાવતા SI ચંદ્રદીપ નિષાદના ઘરમાં ગંગા નદીના પૂરનું પાણી ઘૂસી ગયું હતું. આ પરિસ્થિતિને તેમણે ડરવાને બદલે સકારાત્મક રીતે લીધી. તેમણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ અંગે પોસ્ટ મૂકી હતી. પહેલા તેમણે એક પોસ્ટમાં લખ્યું, "આજે સવારે ડ્યુટી પર નીકળતી વખતે મા ગંગાનું આગમન અમારા ઘરે થયું. પોતાના દરવાજે મા ગંગાના દર્શન-પૂજન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય ગંગા મૈયા." ત્યાર બાદ તેમણે પોતાના ઘરમાં ભરાયેલા પાણીમાં ડૂબકી લગાવતો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, "આજે મા ગંગાનું સંપૂર્ણ રીતે મારા ઘરમાં આગમન થયું છે. મેં મારા ઘરમાં જ આસ્થાની ડૂબકી લગાવી. જય ગંગા મૈયા."
દારોગા એ વિન્ડોમાંથી લગાવી છલાંગ
ચંદ્રદીપ નિષાદ અહીં જ ન અટક્યા. તેમણે પોતાના ઘરની બારીમાંથી પાણીમાં છલાંગ લગાવી અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો. આ વીડિયો પોસ્ટ કરતા તેમણે લોકોને ચેતવણી પણ આપી અને લખ્યું, "આજે મા ગંગાના ખોળામાં જય ગંગા મૈયા. નોંધ - તમને વિનંતી છે કે તમે આ પ્રકારની વસ્તુઓ કરવાનો પ્રયાસ ન કરશો. હું ભૂતપૂર્વ રાષ્ટ્રીય તરવૈયો છું." આ નોંધ દ્વારા તેમણે પોતાની તરવાની કુશળતાનો ઉલ્લેખ કરીને લોકોને આવી હિંમતભરી પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સલાહ આપી હતી.
પ્રયાગરાજમાં પૂરની સ્થિતિ
ઉલ્લેખનીય છે કે, પ્રયાગરાજમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ગંગા અને યમુના બંને નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા ગામડાઓનો સંપર્ક તૂટી ગયો છે અને લોકો અવર-જવર માટે હોડીનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના કેબિનેટ મંત્રી નંદ ગોપાલ ગુપ્તા નંદીએ પણ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે. જોકે, આ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ચંદ્રદીપ નિષાદની આસ્થા અને સકારાત્મકતાનો વીડિયો લોકોમાં વાઈરલ થઈ રહ્યો છે.