મધ્ય પ્રદેશની પ્રતિષ્ઠિત બરકતઉલ્લાહ યુનિવર્સિટીનું નામ બદલવાની કવાયત તેજ થઈ ગઈ છે. યુનિવર્સિટી પ્રશાસને આ શૈક્ષણિક સંસ્થાનું નામ બદલીને 'માં વાગ્દેવી ભોજપાલ યુનિવર્સિટી' કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પાસ કરી દીધો છે. આ પ્રસ્તાવને હવે આખરી મંજૂરી માટે રાજ્ય સરકાર અને રાજભવન મોકલવામાં આવ્યો છે.
રાજ્યપાલની મંજૂરી માટે મોકલાયો પ્રસ્તાવ
યુનિવર્સિટીના રજિસ્ટ્રાર સમર બહાદુર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કાર્યકારી પરિષદની બેઠકમાં નામ બદલવાના આ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી અને તેને સર્વસંમતિથી સ્વીકારી લેવાયો છે. અંતિમ નિર્ણય માટે આ પ્રસ્તાવ રાજ્યપાલ અને કુલાધિપતિ મંગુભાઈ પટેલ પાસે મોકલવામાં આવી રહ્યો છે, કારણ કે નામ પરિવર્તનનું સત્તાવાર જાહેરનામું શાસન સ્તર પરથી જ જાહેર કરવામાં આવશે.
નામ બદલવા પાછળ યુનિવર્સિટીએ આપ્યા આ તર્ક:
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા સત્તાવાર પ્રસ્તાવમાં નામ બદલવા પાછળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક કારણો રજૂ કરવામાં આવ્યા છે:
રાજા ભોજ સાથે કનેક્શન: પ્રસ્તાવમાં જણાવાયું છે કે ભોપાલનું પ્રાચીન નામ 'ભોજપાલ' હતું, જે પરમાર વંશના પ્રતાપી શાસક રાજા ભોજ સાથે જોડાયેલું છે. રાજા ભોજે પોતાના શાસનકાળ દરમિયાન શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું હતું.
વિદ્યાર્થીઓમાં ગૌરવની ભાવના: ઉચ્ચ શિક્ષણ સંસ્થાનું નામ એવું હોવું જોઈએ જે તેના ભવ્ય ઇતિહાસ, સંસ્કૃતિ અને હજારો વર્ષ જૂની વિરાસતનો પરિચય કરાવે, જેથી વિદ્યાર્થીઓ આ સંસ્થામાં ભણતી વખતે ગૌરવ અનુભવી શકે.
મૌલાના બરકતઉલ્લાહ વિશે પ્રસ્તાવમાં શું લખ્યું છે?
આ જ પ્રસ્તાવમાં વર્તમાન નામ આપનારા મૌલાના બરકતઉલ્લાહનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં લખ્યું છે કે, મૌલાના બરકતઉલ્લાહનો જન્મ ભોપાલમાં થયો હતો અને તેમણે અહીં જ અભ્યાસ કર્યો હતો, પરંતુ તેમનું આખું જીવન વિદેશોમાં વીત્યું હતું. તેઓ ઉર્દૂ, પર્શિયન, અંગ્રેજી અને ઇસ્લામના પ્રકાંડ વિદ્વાન હતા અને આઝાદીની લડાઈમાં 'ગદર પાર્ટી' સાથે જોડાયેલા હતા. સોવિયેત સંઘમાં તેમણે 'આધ્યાત્મિક સમાજવાદ' નો નવો વિચાર રજૂ કર્યો હતો જે ઇસ્લામ અને માર્ક્સવાદનું મિશ્રણ હતું.
કોણ હતા મૌલાના બરકતઉલ્લાહ?
હાલમાં જેમના નામ પર આ યુનિવર્સિટી છે, તે મૌલાના મોહમ્મદ બરકતઉલ્લાહ ભોપાલી દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે વિદેશની ધરતી પર રહીને બ્રિટિશ હુકુમત વિરુદ્ધ ક્રાંતિની મશાલ જલાવી રાખી હતી અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામને વૈશ્વિક સ્તરે સમર્થન અપાવ્યું હતું. વર્ષ 1927 માં અમેરિકાના સેન ફ્રાન્સિસ્કોમાં તેમનું અવસાન થયું હતું.
1970 માં થઈ હતી યુનિવર્સિટીની સ્થાપના
- આ યુનિવર્સિટીની સ્થાપના વર્ષ 1970 માં 'ભોપાલ યુનિવર્સિટી' તરીકે કરવામાં આવી હતી.
- વર્ષ 1988 માં મધ્ય પ્રદેશ સરકારે મહાન સ્વાતંત્ર્ય સેનાની પ્રોફેસર મૌલાના બરકતઉલ્લાહના સન્માનમાં તેનું નામ બદલીને 'બરકતઉલ્લાહ યુનિવર્સિટી' કર્યું હતું.
- હાલમાં આ પ્રતિષ્ઠિત કેમ્પસમાં આર્ટ્સ, કોમર્સ, લો, સાયન્સ, મેનેજમેન્ટ અને એન્જિનિયરિંગ સહિતના અનેક ઉચ્ચ શૈક્ષણિક કોોર્સ ચાલી રહ્યા છે.
આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?













