ઓપરેશન સિંદૂરના છ શહીદોને સન્માન ન આપવાના કોંગ્રેસના આરોપ પર રક્ષા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે.મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે દેશે આ શહીદોને સૌથી પહેલાં ઘટનાસ્થળે જ સન્માન આપ્યું હતું અને તેમની યાદને હંમેશા સન્માન અને શ્રદ્ધા સાથે યાદ રાખવામાં આવશે.આ વિવાદ કોંગ્રેસ નેતા પવન ખેડાના એક આરોપથી શરૂ થયો હતો.ખેડાએ શુક્રવાર અને શનિવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે સરકારે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા છ જવાનોની કુરબાનીને એક વર્ષ સુધી છુપાવી રાખી હતી અને તેમને શહીદનો દરજ્જો આપ્યો ન હતો.
મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી
આ આરોપના જવાબમાં રક્ષા મંત્રાલયે કોઈનું નામ લીધા વગર કહ્યું કે કેટલીક મીડિયા રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટમાં ખોટી રીતે એવું દર્શાવવામાં આવ્યું છે કે આ છ જવાનોની કુરબાનીને તાજેતરમાં જ પહેલીવાર સામે લાવવામાં આવી છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દેશે આ શહીદોને ઘણો સમય પહેલા જ સન્માન આપી દીધું હતું. 11 મે, 2025ના રોજ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આર્મીના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સે આ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને તેમની કુરબાનીને સાર્વજનિક રૂપે સ્વીકારી હતી.ત્યારબાદ 14 ઓગસ્ટ, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રેસ રિલીઝમાં આ જવાનોને વીરતા પુરસ્કાર આપવાની વાત પણ છપાઈ હતી. સેનાના સોશિયલ મીડિયા પેજ પર પણ તેમના વખાણ કરવામાં આવ્યા હતા.













