વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમવારે સાંસદો માટે 184 નવા બનેલા ટાઈપ-VII મલ્ટીસ્ટોરીડ ફ્લેટ્સનું ઉદ્ઘાટન કરશે. નવી દિલ્હી સ્થિત બાબા ખડક સિંહ માર્ગ (પર આ ફ્લેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફ્લેટ્સમાં સાંસદોના રહેઠાણ અને કાર્યની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદી સિંદૂરનો વૃક્ષ રોપશે અને ફ્લેટ બાંધકામમાં સહભાગી શ્રમિકો સાથે પણ સંવાદ કરશે.
આ ફ્લેટ્સ કેમ ખાસ છે
આ મકાનો GRIHA 3-સ્ટાર રેટિંગ અને રાષ્ટ્રીય બિલ્ડિંગ કોડ (NBC) 2016 મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. ફ્લેટ્સમાં એનર્જી કન્ઝર્વેશન, રિન્યુએબલ એનર્જી, અને વેસ્ટ મેનેજમેન્ટ જેવી ઇકો-ફ્રેન્ડલી ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે. ખાસ એલ્યુમિનિયમ શટરિંગ સાથે મોનોલિથિક કાંક્રીટ ટેક્નિક દ્વારા બાંધકામ થયું છે, જેના કારણે મજબૂતાઇ અને સમયબધ્ધ પૂર્ણતાને સુનિશ્ચિત કરાઈ છે. ફ્લેટ્સ દિવ્યાંગજન માટે સુલભ છે, દરેક ફ્લેટમાં રહેઠાણ તથા કાર્યસ્થળ બંને માટે યોગ્ય જગ્યા છે. કોમ્યુનિટી સેન્ટર, સ્ટાફ ક્વાર્ટર અને સિક્યોરિટી વ્યવસ્થા સાથે સાંસદો માટે સંપૂર્ણ સુવિધાયુક્ત વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફ્લેટ ભૂકંપપ્રતિરોધક ડિઝાઇનથી તૈયાર કરાયા છે
નવા ફ્લેટ્સ કેમ જરૂરી બન્યા?
સાંસદો માટે પૂરતા રહેઠાણની ઉપલબ્ધિ ન હોવાને કારણે આ પ્રોજેક્ટ શરૂ કરવો પડ્યો હતો. જમીનની મર્યાદાને કારણે વર્ટિકલ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ મકાન ઓછા વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે. BKS માર્ગ સ્થિત હોવાને કારણે આ સ્થાન સંસદ ભવનની નજીક છે, જે સાંસદોને રોજિંદી કામગીરી માટે વધુ અનુકૂળ બનાવે છે.
કયા મહેમાનો રહેશે ઉપસ્થિત?
ઉદ્ઘાટન સમારંભમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રિય ગૃહ અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ, સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ હાઉસ કમિટી (લોકસભા)ના અધ્યક્ષ ડૉ. મહેશ શર્મા સહિતના આગેવાનો હાજર રહેશે